Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા મોરબીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીના એનએસએસ વિભાગ અંતર્ગત ૨૨ નવેમ્બરના રોજ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એનએસએસ યુનિટના સ્વયંસેવકો તથા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હિન્દી વિષયના અધ્યાપક ડો. અનિલસિંહ રાજપુતે લોકશાહીમાં નાગરિકનું મહત્વ અને તે દ્વારા મતદાનના મહત્વની ઊંડી સમજ આપી યુવાઓને તથા તેના સંપર્કમાં હોય તેવા મતદાતાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહીને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ પ્રો. કે. આર. દંગીએ વિદેશથી માત્ર મતદાન કરવા માટે ભારતમાં આવનાર ભારતીઓનું ઉદાહરણ આપી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

એનએસએસના સ્વયંસેવકો દ્વારા મોરબીમાં લોકોની વધુ અવરજવર રહેતી હોય તેવા સ્થળોએ સૂત્રો દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સ્વયંસેવકોએ નેહરુગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, જુના બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ મતદાન માટે પ્રેરણા રૂપ સૂત્રો પ્રદર્શન કરી વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર. કે. વારોતરીયાએ કર્યું હતું.

(12:48 am IST)