Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાવનગરમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કમાની એન્‍ટ્રીઃ ડીજેના તાલે કારમાં સવાર થઇ કમાની મત માટે અપીલ

લોકડાયરાથી જાણીતા થયેલા કમાએ જીતુભાઇ વાઘાણી માટે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્‍યુ

ભાવનગરઃ લોકડાયરાથી ચર્ચિત થયેલા કમાએ ભાવનગરમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં એન્‍ટ્રી કરી છે. કારમાં ડીજેના તાલે કમો લોકોને ભાજપમાં મત આપવાની અપીલ કરી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. જેના કારણે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. જેને પગલે એક તરફ પ્રચાર પ્રસાર માટે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ જેવા દિગ્ગજો છે, બીજી તરફ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા રાષ્ટ્રિય નેતાઓ પણ પોતાના પક્ષને જીતાડવા સભાઓ જગવી રહ્યાં છે. ત્યારે આ બધાય ની વચ્ચે એક વ્યક્તિએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. અને હાલ આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહી છે. એ બીજુ કોઈ નહીં પણ આપણો કમો છે...

જીહાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે. મળતી જાણકારી અનુસાર, ભાજપે ભાવનગર શહેરમાં પ્રચાર માટે કમાને મેદાનમાં ઉતાર્યો છે. ભાજપનો ખેસ પહેરી કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. વડવા વિસ્તારમાં કાર પર બેસી ડીજેના તાલે કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. કમાએ લોકો સાથે ઉભા રહીને સેલ્ફી પણ પડાવી હતી.

ડાયરાથી ફેમસ થયેલા કમાભાઈએ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી થઈ હતી. કારમાં સવાર થઈ કમાભાઈએ ભાજપના ફ્લેગ સાથે પ્રચાર કર્યો હતો. સુરેન્દ્રનગરના કોઠારિયાના વતની કમાને લોકગાયક કીર્તિદાન ગઢવીના કાર્યક્રમથી ઓળખ મળી હતી. હાલ કમાના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાએ એન્ટ્રી કરી દીધી છે.

(5:55 pm IST)