Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પાટણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ સહીત ૧૬ ઉમેદવારો ચુંટણી જંગમાં

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા, ૨૨: ૧૮ પાટણ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ અવધી પછી ૧૬ જેટલા ઉમેદવારો આખરી જંગમાં ઉભા રહેનાર હોવાનું ચિત્ર સ્‍પષ્‍ટ બન્‍યું છે.

પાટણ બેઠક માટે ભરાયેલા ઉમેદવારી પત્રો બાદ ચકાસણીમાં રદ કરેલા અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ સમય સુધીમાં જંગ લડવાનો નિર્ધાર કરી ચુકેલા ૧૬ઉમેદવારો આખરી રહેતા ચુંટણીનું ચિત્ર સ્‍પષ્‍ટ થયું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડો.કિરીટભાઇ પટેલ, ભાજપના ડો.રાજુલબેન દેસાઇ અને બસપાના મહિલા ઉમેદવાર સર્વાકર હસુમતીબેન પરસોતમભાઇ રાષ્‍ટ્રીય પક્ષના ઉમેદવાર છે. જયારે રાજય-રાષ્‍ટ્રકક્ષાએ નોંધાયેલા પક્ષના ઉમેદવારોમાં ઠાકોર જયડંઋીતેજી હિરાજી-ગરવી ગુજરાત પાર્ટી, ઠાકોર પ્રહલાદસંગ ધુળાજી-જનસેવા ડ્રાઇવર  પાર્ટી, ભરતજી કાન્‍તીજી ઠાકોર-નેશનલ મહાસભા પાર્ટી અને લાલેશભાઇ ઠક્કર-આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આ ઉપરાંત ૯ અપક્ષ ઉમેદવારો છે.

૧૮ પાટણ વિધાનસભા બેઠક ઉપર મુખ્‍ય હરીફોમાં સીધો મુકાબલો કોંગ્રેસના ડો.કિરીટભાઇ પટેલ અને ભાજપના ડો.રાજુલબેન દેસાઇ સાથે બંનેની બાજી બગાડવાના ઇરાદે ત્રીજા પક્ષ તરીકે કાઠુ કાઢવા જઇ રહેલા આપના લાલેશભાઇ ઠક્કર છે. બાકીના રાજકીય પક્ષ-અપક્ષોની ડીપોઝીટ જવાની પુરી શકયતાઓ જોવામાં આવી રહી છે. પાટણમાંથી ઉમેદવારી કરનારા એક પટેલ ઉમેદવાર વડોદરાના રહીશ છે.

પાટણના ૧૬ ઉમેદવારોમાં જ્ઞાતિવાર જોવામાં આવે તો સૌથી વધુ ઠાકોર સમાજના-૬, દલીત સમાજના-૧ મહિલા સહીત-૪, પાટીદાર સમાજના-ર, લઘુમતી સમાજ-ર, દેસાઇ-૧, ઠકકર-૧ મળી ૧૬ ઉમેદવારો આખરી રહયા છે.

(3:54 pm IST)