Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સાવરકુંડલામાં ચુંટણી તંત્રની ભુલનો લાભ ઉઠાવતા કોંગ્રેસનાં કાર્યકરો

તંત્રના ભુલતા નહીંના બેનર ઉપર કોંગ્રેસના ઉમેદવારનું બોર્ડ લગાવી દીધું

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. રરઃ શહેરમાં ચુંટણી પ્રચાર ધીમે ધીમે ગરમી પકડી રહ્યો છે. શહેરમાં ભા.જ.પ.-કોંગ્રેસ અને આપ નાં કાર્યકરો પોતાના ઉમેદવારનાં ફોટા સાથેના બેનરો-શહેરના ચોક-અને બજારોમાં લગાડી વાતાવરણ પોતાના પક્ષ તરફે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષનાં કાર્યકરોએ ખુદ ચુંટણી તંત્ર જ કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતાપ દુધાત ને મત આપવાનું જણાવતું હોય તેવો ભ્રમ ઉભો થાય તેવું મોટું બેનર મારી દઇ પ્રચાર અને પ્રસારમાં કૂનેહ બતાવી દીધી છે. ચુંટણી જાહેર થયા બાદ ચુંટણી પંચ દ્વારા શહેરના મુખ્‍ય મુખ્‍ય ચોક ખાતે મતદારોને મતદાન કરવાની અપીલ કરતા બેનર લગાવ્‍યા છે પરંતુ સરકારી કામમાં કાંઇ સારાવાટ ન હોયની લોકવાયકાને સાચી ઠેરવતા હોય તેમ તંત્ર દ્વારા ફકત ભુલતા નહીં નાં બનેરો ટીંગાડી દીધા છે. જેનો કોંગ્રેસનાં કાર્યકરોએ લાભ ઉઠાવી તંત્રનાં ભુલતા નહીંના બેનર ઉપર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત ના નામના બેનર લગાવી દીધા છે. પ્રતાપ દુધાતનાં બેનર લગાવ્‍યા બાદ મણીભાઇ ચોકમાંથી પસાર થતા શહેરીજનો હવે પ્રતાપ દુધાત ને ભુલતા નહીં એવું વાંચી રહ્યા છે. ચુંટણી તંત્રની ભુલનો કોંગ્રેસના કાર્યકરોએ બરોબરનો લાભ લઇ લીધો છે અને પ્રચાર-પ્રસારનાં હરીફો કરતા સવાયા સાબીત થયા છે.

(1:38 pm IST)