Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વિસાવદર-ભેસાણની બેઠક પર ભર્યા નાળિયેર જેવી સ્થિતિ : ત્રિપાંખિયો જંગ : કાંટે કી ટક્કર

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૨ : વિસાવદર-ભેસાણની બેઠકનો કયાસ કાઢવામા આ વખતે અચ્છા-અચ્છા માથુ ખંજવાળી રહ્યા છે.અવનવી ચર્ચા-અનોખા તારણો-અલગ જ તર્કવિતર્ક સાથે આ બેઠકનુ આજની સ્થિતિએ વાસ્તવિક રીતે છાતી ઠોકીને કોઈ ભવિષ્ય ભાખી શકતા નથી..ભર્યા નાળિયેર જેવી સ્થિતિ.. ત્રિપાંખિયો જંગ.. કાંટે કી ટક્કર.. આવા વિવિધ મુદ્દે રાજકીય ચર્ચાઓ થઈ રહી છે.જો કે,દરેક ઉમેદવારો-પક્ષ-સમર્થકો પોતાના પક્ષ-ઉમેદવારની જીત નિશ્ચિત હોવાનો બેધડક દાવો કરી રહ્યા છે..!!

સમગ્ર ગુજરાતમા હંમેશા રાજકીય દ્રષ્ટીએ ધ્યાનાકર્ષક રહેતી વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર ભાજપના હર્ષદભાઈ રિબડીયા, કોંગ્રેસના કરશનભાઈ વાડોદરિયા તથા આમ આદમી પાર્ટીના ભુપતભાઈ ભાયાણી વચ્ચે કશ્મકશના ચૂંટણી જંગના રાજકીય તારણો છે.આ બેઠકમા વિસાવદર તાલુકો તથા ભેસાણ તાલુકો અને જૂનાગઢ તાલુકાના ગામડાઓનો સમાવેશ થતો હોય,આમ વિસ્તાર અને મતદારોની દ્રષ્ટીએ વિશાળ ગણાતા આ વિધાનસભા મતક્ષેત્રની ગુજરાતભરમા જબરી રાજકીય નોંધ લેવાય છે.

વિસાવદર-ભેસાણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી-બસપા-અપક્ષ ઉમેદવારો સમગ્ર વિધાનસભા ક્ષેત્રમા વેગવંતો પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.જબરો રાજકીય માહોલ પ્રવર્તે છે.

ચૂંટણી કાર્યાલયો ખુલ્લા મુકાયા છે.સભા-વોર્ડ વાઈઝ મીટીંગો-ગામડાઓના પ્રવાસ વચ્ચે શિયાળાની ઠંડીમા સાર્વત્રિક રાજકીય ગરમાવો છે.અવનવા તર્કવિતર્ક-રાજકીય ગણિત મંડાઈ રહ્યા છે.

આ લખાઈ રહ્યુ છે ત્યાર ચૂંટણી આડે એક સપ્તાહ બાકી રહ્યુ છે.જેથી હવે પછીના આખરી દિવસોમા રાજકીય વ્યુહરચના ગોઠવવામાં કોણ સફળ થાય છે. કોણ પોતાના તરફી વાતાવરણ અંકે કરે છે એ તરફ સૌની મીટ મંડાઈ છે.

(1:35 pm IST)