Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પુરતુ વેતન-કાયમી સહિતના હક્ક-અધિકારો આપવા પ્રબળ માંગ

ગીર જંગલ-અભ્યારણ્ય-વન્ય પ્રાણીઓની સલામતી-રક્ષણની વફાદારીપૂર્વક કામગીરી કરતા નાના કર્મચારીઓ ''લેબરો-ટ્રેકરો'' પ્રત્યે સરકારે સહાનુભૂતી દાખવી (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૨ : ગીર જંગલ-અભયારણ્ય-વન્ય પ્રાણીઓની સલામતી-રક્ષણની વફાદારીપૂર્વક કામગીરી કરતા નાના કર્મચારીઓ ''લેબર ટ્રેકરો'' પ્રત્યે સરકારે સહાનુભૂતી દાખવી પુરતુ વેતન-કાયમી સહિતના હક્ક-અધિકારો આપવા પ્રબળ માંગ -વર્તે છે. ગીર જંગલ-વન્ય પશુ અને પ્રાણીઓના પાયાના રક્ષક વન વિભાગના લેબર અને ટ્રેકરો છે પરંતુ સરકાર-વન વિભાગ દ્વારા કમનસીબે આ નાના કર્મચારીઓને પુરતુ વેતન-કાયમી જેવા હક્ક-અધિકારો અપાતા નથી..! ગીરના જંગલ-અભ્યારણ્ય અને સિંહનું ગૌરવ આજે ગુજરાત અને દેશ ગૌરવ લઈ રહ્યું છે ત્યારે તેના પાયાના રક્ષકો લેબરો તથા ટ્રેકરોની શુ સ્થિતિ છે..? એ જાણવાની તસ્દી લેવાતી ન હોય તેવો અસંતોષ અંદરખાને પ્રવર્તી રહ્યાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે. ગીર જંગલ અને વન્ય પશુ-પ્રાણીઓના પાયાના રક્ષકો લેબરો અને ટ્રેકરો ગણાય છે,કોઈપણ સ્થળે સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓની રંજાડ હોય ત્યાં વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ ચાવીરૃપ કામગીરી આ લેબરો અને ટ્રેકરો દ્વારા કરવામાં આવતી હોય છે. કમનસીબે આ લેબર અને ટેકરોને મળવા પાત્ર હક્કો-અધિકારો મળતા નથી.એક લેબરની એક વર્ષમાં સળંગ ૨૪૦ દિવસ હાજરી થાય તો તેમને કાયમી કરવાનો સરકારનો ઠરાવ-પરિપત્ર છે પરંતુ સળંગ ૨૪૦ દિવસની હાજરી પુરવામાં જ આવતી નથી..! થોડા સમય પહેલા જ વન વિભાગના કર્મચારીઓ પોતાના હક્ક-અધિકાર માટે આંદોલન ઉપર ઉતર્યા હતા ત્યારે ગીરના જંગલ અને સિંહ જેવા અનમોલ પ્રાણીઓની સલામતી-રક્ષણની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરનાર આજ લેબરો અને ટ્રેકરો હતાં.સિંહોની વસ્તી ગણતરીથી લઈને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ આ જ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હોય છે.રેવન્યુ વિસ્તારમાં કોઈ જગ્યાએ દીપડાની રંજાડ હોય તો તેને પકડવાની કામગીરીમાં પાંજરૃ ગોઠવવાથી લઈને રાત્રી રોકાણ પણ આ લેબરો-ટ્રેકરો કરે છે. એવુ પણ કહેવાય છે કે,ગીર જંગલમા ફરજ બજાવતા આ લેબરોમાંથી અમુક લેબરો એવા છે કે,એક વર્ષમાં ૨૪૦ દિવસ હાજરીને બદલે ૧૫ થી ૨૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે,આમછતાં આજદિન સુધી તેઓ કાયમી નથી.જ્યારે અમુક લેબરો તો કોર્ટમાં ગયા.. કેસ જીતી ગયા પછી પણ કોર્ટના હુકમની અમલવારી નથી થઈ રહી..!! એકંદરે ગીર જંગલમા ફરજ બજાવતા લેબરો-ટ્રેકરો પ્રત્યે વન વિભાગ-રાજ્ય સરકારે સહાનુભૂતી દાખવી તેઓને પુરતુ વેતન-કાયમી હક્ક-હિસ્સા-અધિકારો આપવા જોઈએ અને આવા નાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ તેવી પ્રબળ માંગ છે.

(1:22 pm IST)