Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ધાવાગીર ગામે અંધશ્રધ્‍ધાના ઓઠા હેઠળ માસુમ બાળાના મૃત્‍યુ કેસમાં ફૈબાની જામીન અરજી નામંજુર

વેરાવળ-પ્રભાસપાટણ, તા.૨૨: અંધશ્રધ્‍ધાના ઓઠા હેઠળ માસુમ બાળાનું મોત નીપજાવાના ગુન્‍હામાં બાળાની ફઇબાની વેરાવળની એડીશનલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટે જામીન અરજી ફગાવી દઇ ના-મંજુર કરેલ છે.

આ અંગે જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ધાવા ગીર ગામે માસુમ બાળાને તેમના પરીવાર દ્વારા તાંત્રીક વિધીમાં મારી નાખેલ હોય જે બનાવ અંગે પોલીસમાં ઇ.પી.કો. કલમ ૩૦૨ સહીતની કલમો હેઠળ ગુન્‍હો નોંધાયેલ છે. આ ગુન્‍હામાં પોલીસે બાળાના પિતા, મોટાબાપુની ધરપકડ કરેલ અને રીમાન્‍ડ દરમ્‍યાન બાળાની ફઇબા અર્ચનાબેન જેનીશભાઇ ઠુમ્‍મર રહે.કેશોદ વાળાની પણ સંડોવણી હોવાનું જણાતા તેની ધરપકડ કરેલ છે. આ ગુન્‍હાના આરોપી અર્ચનાબેન એ વેરાવળના બીજા એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ વેરાવળમાં રેગ્‍યુલર જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા એ દલીલો કરેલ કે, અરજદારણ આરોપીએ મરનાર બાળાને વળગાડ હોય અને આ વળગાડ કાઢવા સળગતી આગ પાસે ઉભી રાખી કપડા બાળી નાખવા વિગેરે સલાહ આપેલ આમ આ ગુન્‍હામાં પ્રથમ દર્શનીય સંડોવણી હોવાનું જણાઇ રહેલ છે તેમજ સમાજ માટે કલંકરૂપ અને ધળણાસ્‍પદ બનાવ બનેલ છે જેમાં વળગાડના નામે એક માસુમ બાળકીનો ભોગ લેવામાં આવેલ છે તેથી સમાજમાં નિઃસહાય બાળકીઓનો અંધશ્રધ્‍ધાના નામે જીવ ન લેવાય અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીના જામીન ફગાવા જોઈએ એવી  રજુઆતોને કોર્ટે એ લક્ષમાં રાખી શ્રી કે.જે.દરજી એડીશનલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજશ્રી વેરાવળનાએ આરોપીની જામીન પર મુકત થવાની અરજી ના-મંજુર કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

(11:59 am IST)