Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબી : સબ-રજીસ્‍ટ્રાર ઓફીસમાં દસ્‍તાવેજોની નોંધણીની પ્રક્રિયા બંધ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૨ : મોરબી શહેરના અનેક વિસ્‍તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્‍થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોની માંગણીને પગલે રાજ્‍યના મહેસુલ વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં અશાંતધારો અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્‍યારે આ અંગે રેવન્‍યુ બાર પ્રેક્‍ટિશનર એસો. દ્વારા મોરબી જિલ્લા કલેકટરને અશાંત ધારા અંગેની ૫૦૦ મીટરના એરિયા અંગેની માર્ગદર્શિકા નિર્ધારિત કરવાની રજુઆત કરવામાં આવી છે.

રેવન્‍યુ બાર પ્રેક્‍ટીશનર દ્વારા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે અશાંતધારા કાયદા મુજબ જે તે વિસ્‍તાર તથા તે વિસ્‍તારની ૫૦૦-મીટરની ત્રિજયામાં આવતી તમામ મિલ્‍કતના હસ્‍તાંતર માટે સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી ફરજીયાત કરવામાં આવેલ છે. જી.આર માં જે તે વિસ્‍તાર તથા સર્વે નંબરોનો ઉલ્લેખ કરેલ છે. પણ જે વિસ્‍તાર તથા સર્વે નંબરો આપેલ છે, તે વિસ્‍તારથી ૫૦૦-મીટરની ત્રિજયા માં કયા-કયા સર્વે નંબરો તથા કયા કયા વિસ્‍તારનો સમાવેશ થાય છે. તે અંગે કોઇ સ્‍પષ્ટતા કરવામાં આવેલ નથી.

જેને પગલે સબ-રજીસ્‍ટ્રાર ઓફીસ મોરબીમાં દસ્‍તાવેજ રજુ કરતી વખતે સૌથો મોટી સમસ્‍યા  ઉભી થાય છે જેમ કે -તિબંધીત વિસ્‍તારથી ૫૦૦-મીટરની ત્રિજયામાં કયા કયા સર્વે નંબરોનો સમાવેશ થાય છે. અને તે અંગે ઘણી વિસંગતતા ઉત્‍પન્ન થાય છે. તેથી મોરબીની સબ-રજીસ્‍ટ્રાર ઓફીસ દ્વારા મોરબી સીટી, વજેપર,માધાપર વિગેરે વિસ્‍તારના તમામ દસ્‍તાવેજોની નોંધણીની પ્રક્રિયા સ્‍થગિત કરી બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દાને ધ્‍યાને લઇ તાત્‍કાલીક નિર્ણય કરવામાં આવે જેથી સામાન્‍ય પ્રજાને આ તકલીફનો સામનો કરવો ન પડે અને ૫૦૦-મીટરની ત્રિજયામાં જે-જે વિસ્‍તારનો સમાવેશ થાય છે. તેનુ લીસ્‍ટ તથા સર્વે નંબરો અંગેની માર્ગદર્શીકા મોરબીની સબ-રજીસ્‍ટ્રાર ઓફીસ માં તાત્‍કાલીક અસરથી મોકલવામાં આવે તેમ રજૂઆતમાં જણાવ્‍યું છે

(11:56 am IST)