Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પોરબંદરમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી : ડો. ગોઢાણીયા બીએડ્ કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ ગ્રંથાલયની મુલાકાત લીધી

પોરબંદર, તા., ૨૨: ગ્રંથાલયોએ આપણા આધ્યાત્મીક વારસાને જીવંત રાખ્યો છે તેમ સ્વામી આત્મદિપાનંદજીએ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી સંદર્ભે ગોઢાણીયા બી એડના પ્રશિક્ષણાર્થીઓએ રામ-કૃષ્ણ મિશનના ગ્રંથાલયની લીધેલી મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ, શિસ્ત અને આદર્શ ચરિત્રવાન શિક્ષકોનું ઘડતર કરતી પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો.વિ.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી સંદર્ભે ભોજેશ્વર પ્લોટ ખાતે રામકૃષ્ણ મિશનની મુલાકાત લીધી હતી.

ગોઢાણીયા બીએડ કોલેજના પ્રાચાર્ય અને એકટીવ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે બીએડના અભ્યાસક્રમમાં શૈક્ષણીક તત્વ જ્ઞાનનો સમાવેશ કર્યો છે ત્યારે પ્રશિક્ષણાર્થીઓ આપણા તત્વ જ્ઞાનિ મહર્ષિ અરવિંદ, મહાત્મા ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદના સાહિત્યનો પરીચય મેળવે તેવા ઉદેશ સાથે આ ઉપક્રમ રચયો છે. ગોઢાણીયા બીએડ કોલેજના ગ્રંથપાલ જાગૃતીબેન કારીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ તા.૧૪ થી ર૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરી રહયું છે. ત્યારે બીએડના વિદ્યાર્થીઓ ગ્રંથાલયાભિમુખ બને તે સાંપ્રત યુગમાં જરૃરી છે.

કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભુમી ભાગશાળી છે કે મહાત્મા ગાંધી, કૃષ્ણના બાળસખા સુદામા અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદના પગલાથી આ ભુમી પાવન બની છે. સ્વામી વિવેકાનંદજી ગુજરાતમાં આઠ મહિનાના ભ્રમણમાં સૌથી વધારે દિવસો પોરબંદરમાં ચાર મહિના રઞ્હયા અને પોરબંદરના મહાન વિદ્વાન વહીવટદાર શંકરરાવ પંડીત પાસે ફ્રેન્ચ ભાષા શીખ્યા ત્યારે આજની યુવા પેઢી વ્યસન અને ફેશન ત્યજી સ્વામી વિવેકાનંદને રોલ મોડેલ બનાવી તેમના વિચારોને આત્મસાત કરવા આહવાન કર્યુ હતું.

રામ-કૃષ્ણ મિશન  ગ્રંથાલયના ગ્રંથપાલ બલભદ્ર ભરતભાઇએ ગ્રંથાલયની વિગતો આપતા જણાવ્યું કે વીસ હજાર જેટલા અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી સાહીત્યના પુસ્તકો છે અને બેતાલીસ જેટલા મેગેજીનો નિયમીત આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પણ પુસ્તકો છે. આ ગ્રંથાલયનો લાભ શહેરના ૩પ૦ જેટલા વાચકો લઇ રહયા છે. ડીજીટલ ટેકનોલોજીના યુગમાં પણ વાંચનરસ ઓસર્યો નથી. આજે પણ ગ્રંથાલય અકબંધ રહયા છે.

આ રામ-કૃષ્ણ ગ્રંથાલયની બીએડના વિદ્યાર્થીઓની મુલાકાત થકી ટ્રસ્ટના પ્રમુખ દાતા, શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા ટ્રસ્ટી શ્રીમતી જયશ્રી બેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહીત ટ્રસ્ટ ગણ પ્રભાવીત થઇને મુલ્ય શિક્ષણ માટે આવા કાર્યક્રમોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

કોલેજના પ્રોફેસર મનિષાબેન ઓડેદરાના માર્ગદર્શન તળે પ્રો.જાનકીબેન જોષી, જલ્પાબેન ઓડેદરા, બ્રિજેશભાઇ દેસારી, જમરાભાઇ, આગઠ, દક્ષાબેન મોકરીયા, સંધ્યાબેન વાજા, દર્શનાબેન સોલંકી, પરીક્ષીતભાઇ મહેતા, જાગૃતીબેન કારીયા સહીત બી.એડ કોલેજના પ્રશિક્ષણાર્થી ભાઇ-બહેનો ગ્રંથાલયની મુલાકાત લઇને ધન્યતાની લાગણી અનુભવી હતી.

(11:46 am IST)