Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નરેન્દ્રભાઈના માર્ગદર્શન સાથે વિકાસની રાજનીતિ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે: ભૂપેન્દ્રભાઈ પટેલ

ભુજમાં અમિતભાઈ શાહનો પ્રવાસ રદ્દ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાહેરસભામાં પહોચ્યા, ભુજના ઉમેદવાર કેશુભાઈ પટેલના સમર્થનમાં જાહેરસભા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨

ભાજપ દ્વારા ચાલતા ઝંઝાવાતી ચુંટણી પ્રચાર વચ્ચે ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભુજમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. જોકે, અનિવાર્ય સંજોગોને કારણે અમિતભાઈ શાહનો ભુજનો પ્રવાસ રદ્દ થયો હતો. જોકે, નિયત સમય સાંજે ૫/૩૦ વાગ્યાને બદલે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતાં સભા રાત્રે ૮/૩૦ કલાકે ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચુંટણી સંદર્ભે લોકોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, ભાજપ વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ થકી આજે અનેક ક્ષેત્રે ગુજરાત આગળ છે. ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઈ પટેલને સમર્થન આપવા હાકલ કરી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છમાં થયેલા વિકાસની વાત કરી હતી. મુખ્યમંત્રીએ ગ્રીન ઊર્જા ક્ષેત્રે ૩૦ ગીગાવોટ વીજળી ઉત્પાદન સાથે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કચ્છના ચુંટણી પ્રભારી અને યુપી ના મંત્રી સ્વતંત્રદેવસિંહ, અલવર રાજસ્થાનના સાંસદ યોગી બાલકદાસજી, રાજસ્થાનના ધારાસભ્ય હમીરજી, મુંબઇ મુલુંડના ધારાસભ્ય મિહિર કોટેચા, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા, ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ જોશીલા ભાષણ દ્વારા ભાજપના વિકાસ કાર્યો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિકાસ પુરુષ ગણાવ્યા હતા. કોંગ્રેસના આગેવાન અને ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા  દેશ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે સાથે સાથે નરેન્દ્રભાઈની રાજકીય કુનેહ થકી વિદેશોમાં પણ ભારતનો દબદબો છે. આ સભામાં કાર્યકારી જિલ્લા પ્રમુખ વલમજી હુંબલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ ઉપરાંત સ્થાનિક આગેવાનો પારૂલબેન કારા, ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, રમેશ મહેશ્વરી, પંકજ મહેતા, જાગુબેન શાહ, ભીમજી જોધાણી, મહંત દેવનાથ બાપુ, દેવરાજ ગઢવી, સાત્વિકદાન ગઢવી, ભૌમિક વચ્છરાજાની, અનવર નોડે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશ ગઢવીએ ડાયરા દ્વારા સૌને ઝકડી રાખ્યા હતા. સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું.

(10:23 am IST)