Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ખાલી જગ્યાઓ નહી ભરાય તો આંદોલન કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી

પોરબંદર તા.રર : પોરબંદર  સહિત રાજયની મોટાભાગની સરકારી હોસ્પિટલમાં મોટાભાગના ડોકટરોની જગ્યા ખાલી હોવાની કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રમાં રજુઆત કરીને પોરબંદર સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ખાલી જગ્યા નહી ભરાય તો આંદોલનની ચીમકી આપી છે.

પોરબંદર ડોકટરની જગ્યા ખાલી જગ્યા અંગે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત કરીને પોરબંદર કોંગ્રેસ સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પોરબદર સહિત રાજયની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની જગ્યાઓ ખાલી છે અને તેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઇ રહયા છે તેમ છતાં સરકારને દરકાર નથી. ભાજપના રાજય સહિત સ્થાનિક ભાજપના આગેવાનો ગુજરાત અને પોરબંદર કોંગ્રેસમુકત કરવાની સેખી મારી રહયા છે. પરંતુ તેઓએ સરકારી હોસ્પિટલને ડોકરમુકત બનાવી દીધી છે. તેઓ રામદેવભાઇ મોઢવાડીયાએ ઉમેર્યુ હતું કે, પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડો. જે.ડી.પરમારની આણંદ  બદલી થઇ ગઇ છે. તેમની જગ્યા ખાલી થઇ ગઇ છે તે ઉપરાંત વર્ગ ૧ના ડોકટર આર.એમ.ઓ.ની જગ્યા ખાલી છે. આર.એમ.ઓ. ઠોકરે રાજીનામુ આપ્યા પછી તેમના સ્થાને અન્ય કોઇ તબીબની ન્મિણુંક થઇ નથી. રૂપાળીબા લેડી હોસ્પિટલ અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અનેક ડોકટર જગ્યા ખાલી હોવાથી જો સમયસર તેને ભરવામાં નહીં આવે તો નાછુટકે કોંગ્રેસ  દ્વારા આંદોલન  છેડવામાં આવશે તેવી પણ ચીમકી રામદેવભાઇ મોઢવાડીયાએ ઉચ્ચારી છે. 

(1:01 pm IST)