Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

હળવદમાં પશુઓમાં ખરવા-મોવાનો રોગચાળો

પંથકમાં વ્યાપક રોગચાળાથી માલધારીઓ ચિંતિત

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૨: ચોપગા પશુઓમાં જોવા મળતા ખરવા – મોવાના રોગચાળાએ હળવદ સહિતના તાલુકામાં દસ્તક દેતા માલધરીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે જો કે આ ચેપી રોગચાળા સામે સુરક્ષા માટે આપવામાં આવતી રસી પણ મોરબી જિલ્લામાં ઉપલબ્ધ ન હોય કિંમતી પશુઓની સારવારને લઈ પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી પશુઓમાં ખરવા-મોવાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકરતો જઈ રહ્યો છે જેના કારણે માલધારીઓની ચિંતામાં વધારો થયો છે. માલણ ગામના પશુપાલક મુકેશભાઈએ જણાવ્યું હતું કે હાલ ગાયો,ભેંસો ઘેટા-બકરામા ખરવા-મોવાનો રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહીં હળવદમાં પશુ દવાખાને આવીએ તો દવા પણ મળતી નથી સાથે જ જે દુધાળા પશુ હોય છે. તેઓને જો ખરવા-મોવાનો રોગચાળો ભેટી જાય તો આ પશુ દૂધ આપવાનું પણ બંધ કરી દેતું હોય છે. જેથી તાલુકા અને જિલ્લા પશુપાલન વિભાગ વહેલી તકે રસી પશુઓને આપી તેઓના જીવ બચાવે તે જરૂરી બન્યું છે.

ખરવા મોવાના રોગચાળા અંગે જિલ્લા પશુપાલન વિભાગના ડો.ઉદ્યરેજાએ જણાવ્યું હતું કે, આ રોગચાળો જીવલેણ નથી. ખરવા માં ખરી માં ચાંદા પડે છે. અને મોવા માં મોમાં ચાંદા પડતા હોય બે કે ત્રણ દિવસ પશુ ને ખાવા માં તકલીફ પડે છે.જોકે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ખરવા મોવા વિરોધી રસી પશુઓને આપવામાં આવે છે અને હાલમાં સરકારીમાંથી રસી મંગાવાઈ હોવાનું તેમને જણાવ્યું હતું. 

(11:47 am IST)