Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જેતપુરમાં દિવાળીની રાતે પથ્થરમારામાં ઘવાયેલા વૃધ્ધા હમીદાબેનનું રાજકોટમાં મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો

૭૦ વર્ષના વૃધ્ધાએ ઘર પાસે ફટાકડા ફોડનારાઓને દૂર જવાનું કહેતાં પથ્થરમારો થયો હતોઃ પુત્ર ફયાઝને પણ ઇજા પહોંચી હતી

રાજકોટ તા.૨૨: જેતપુરના કણકીયા પ્લોટમાં દિવાળીની રાતે ઘર પાસે ફટાકડા ફોડવા મામલે થયેલી માથાકુટમાં પથ્થરમારામાં ગંભીર રીતે ઘવાયેલા ઘાંચી મુસ્લિમ વૃધ્ધાએ સારવાર દરમિયાન રાજકોટમાં ગત રાતે દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો છે.

જાણવા મળ્યા મુજબ જેતપુર કણકીયા પ્લોટમાં શારદા મંદિર પાછળ રહેતાં હમીદાબેન સલિમભાઇ ચાવડા (ઉ.વ.૭૦)ના ઘર પાસે દિવાળીની રાતે દોઢેક વાગ્યે અજાણ્યા શખ્સો ફટાકડા ફોડી ઉંદરડી સળગાવી ઘરમાં ઘા કરતાં હોઇ તેઓ આ છોકરાઓને ઘરથી દૂર ફટાકડા ફોડવાનું સમજાવવા માટે જતાં અજાણ્યાઓએ તેમના પર પથ્થરમારો કરતાં ગંભીર ઇજા થઇ હતી. દેકારો મચી જતાં વૃધ્ધા હમીદાબેનનો પુત્ર ફયાઝ ચાવડા (ઉ.૩૭) માતાને બચાવવા દોડી આવતાં તેને પણ ઇજા પહોંચાડાઇ હતી.

માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ જેતપુર સારવાર અપાવી હમીદાબેનને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. અહિથી સારવાર બાદ રજા લઇ દિવાળી પછી ફરીથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે મવડી ૧૫૦ રીંગ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં હમીદાબેને દમ તોડી દેતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ થતાં જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવમાં જે તે વખતે જેતપુર પોલીસે મૃતક હમીદાબેનના પુત્ર ફયાઝ સલિમભાઇ ચાવડાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે બે શકમંદને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાનો ભોગ બનેલા હમીદાબેનને સંતાનમાં બે પુત્ર ઇકબાલભાઇ, ફયાઝભાઇ અને પુત્રી શબાના છે. તેમના પતિ સલિમભાઇ હાસમભાઇ ચાવડા નિવૃત જીવન જીવે છે અને પુત્રો ફ્રુટનો ધંધો કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રાજકોટમાં પોસ્ટ મોર્ટમ બાદ જેતપુર પોલીસ આગળની કાર્યવાહી કરશે.

(11:39 am IST)