Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

બગવદર અને માધવપુરને સરકારી કોમર્સ – આર્ટસ કોલેજ ફાળવવા કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રી રજુઆત

પોરબંદર, તા. રર :  બગવદર અને માધવપુરને સરકારી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ ફાળવવા શિક્ષણમંત્રીને કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ રજુઆત કરી છે.
પોરબંદર તાલુકાના બે મુખ્ય મથકો બગવદર અને માધવપુરને સરકારી કોમર્સ એન્ડ આર્ટસની કોલેજ ફાળવવા ગુજરાત રાજયના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર પાઠવી કરેલી રજુઆતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ કે પોરબંદર તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર તેમની ભૌગોલિક સ્થિતિને લીધે બરડા અને ઘેડ વિસ્તારમાં વહેચાયેલો છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં કોઇ ઉંદ્યોગ આવેલો ન હોય.
આ વિસ્તારમાં વસતા વાલીઓની આર્થિક સ્થિતિ સામાન્ય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ પામતા બક્ષીપંચ વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની મોટી વસ્તી છે. ગરીબ અને મધ્યમવર્ગ તેમજ ખેતી આધારિત જીવન નિર્વાહ કરતા વાલીઓના સંતાનો ખાનગી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરવો પરવડે તેમ ન હોય તેમજ પ૪ જેટલા ગામોની મધ્યમાં બગવદર ગામ આવેલું છે.
સીમર, પારાવાડા, ખાંભોદર, અડવાણા, બગવદર, મોઢવાડા, વડાળા, ભાવપરા, બખરલા, નાગકા, સીમાણી, ફટાણા સહિતના ગામોમાં માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે પરંતુ બરડા પંથકમાં સરકારી કે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવેલી ન હોય તમામ વિદ્યાર્થીઓને ફરજીયાતપણે લાંબા અંતરનું અપડાઉંન કરીને પોરબંદર અભ્યાસ અર્થે આવવું પડે છે.
પોરબંદર ખાતે પણ એક પણ સરકારી કોલેજ આવેલ નથી, ગ્રાન્ટેડ કોલેજોમાં પણ વિશાળ વિદ્યાર્થીઓની સંખ્યા સામે મર્યાદિત સીટો જ ઉંપલબ્ધ હોય મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ રજુઆતમાં જણાવેલ છે.

 

(11:17 am IST)