Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કાલે વિજયભાઇ જુનાગઢમાં: વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ

બે શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કરાશે : બહાઉદીન કોલેજમાં સભા : જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

જુનાગઢ તા.૨૨: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ શનિવારના રોજ  જુનાગઢના મહેમાન થવાના છે. ત્યારે તેઓની આ મુલાકાને લઇ તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ અને વ્યવસ્થાઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જુનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને  અનેકવિધ વિકાસ કામોનુ ખાત મુહૂર્ત - લોકાર્પણ કરશે.

શ્રી રૂપાણીના જૂનાગઢના પ્રવાસ દરમ્યાન તેઓનેકોઇ અગવડતા પડે નહી તે માટે ડો.સૌરભ પારઘી, મ્યુની. કમિશ્નર તુષાર સુમેરા, સહિતના અધિકારીઓ વિવિધ વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે.

જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સુરક્ષા તેમજ ટ્રાફિક નિયમન વ્યવસ્થા રહે તે માટે ડીઆઇજી મનીંદરસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ એસપી. સૌરભસિંઘ દ્વારા ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ હાથ ધરવામાં આવી છે.

ડીવાયએસપી પ્રદીપસિંઘ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના ઈન્ચાર્જ પી.આઇ. આર.કે. ગોહીલ, એસઓજીના  ઈન્ચાર્જ પી.આઇ જે.એમ. વાળા એ ડીવીઝનના પીઆઇ કે.કે. ઝાલા, બી ડીવીઝનના પો.ઈન્સ. આર.બી. સોલંકી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ વગેરેે બંદોબસ્ત મેળવશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી બપોરે અઢી વાગ્યા ની  આસપાસ જૂનાગઢ આવશે. સાંજ સુધીના રોકાણ  દરમ્યાન  તેઓશ્રી નરસિંહ મહેતા યુનિ.ખાતે રૂા. ૯૮ કરોડના  ભવનનું ખાત મુહૂર્ત  કરશે.

યુનિ.ના  કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં બે શૈક્ષણીક સંસ્થાઓ સામે એમઓયુ કરવામાં આવશે. જેમાં નરસિંહ મહેતા યુનિ. અને ડો.સુભાષ ટેકનીકલ કોલેજ એમઓયુ કરશે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ખાતે ભવનના ખાતમુર્હુત બાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણી ઐતીહાસિક બહાઉદિન કોલેજના પ્રાંગણ ખાતે રૂા. ૬૭.૦૮ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત તેમજ લોકાર્પણ કરશે.

આ તકે કેબીનેટ મંત્રીઓ જવાહરભાઇ  ચાવડા , જયેશભાઇ રાદડીયા, વિભાવરીબેન દવે, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુની કમિશ્નર  તુષાર સુમેરા , ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી બહાઉદીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધિત પણ કરશે. જે માટેની ખુરશીઓ વગેરેની ગોઠવણ કરી લેવામાં આવી છે.

(4:12 pm IST)