Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ધોરાજીના સીરાજ અને અમીર મિયાએ નવી ૧૦૦ના દરની અડધા લાખથી વધુ જાલી નોટો છાપ્યાનો ધડાકો

પકડાયેલ બંન્ને શખ્સોએ રાજકોટ, જામનગર, જેતપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, મેંદરડા અને બીલખામાં જાલી નોટો વટાવ્યાની કબુલાતઃ બંન્નેના રીમાન્ડ પુરા થતા વધુ રીમાન્ડ મંગાયા : રૂપીયા ૧૦૦ના દરની નવી નોટના સીરીયલ નંબર ૬એએમ૭૪પ૪૪૬ હોય તો તે જાલી નોટ છે જેતપુર પોલીસને જાણ કરો

રાજકોટ, તા., ૨૨: જેતપુરમાં પાંચ દિ' પુર્વે નવી રૂ. ૧૦૦ના દરની જાલીનોટ સાથે પકડાયેલ ધોરાજીના બંન્ને શખ્સોએ રીમાન્ડ દરમિયાન પોલીસની પુછતાછમાં અડધા લાખથી વધુ જાલી નોટો છાપ્યાનું અને સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અલગ-અલગ સ્થળે આ જાલી નોટો વટાવ્યાની કબુલાત આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં પાંચ દિ' પુર્વે ૧૦૦ના દરની નવી જાલી નોટો વટાવવા આવેલ ધોરાજીના સીરાજ અને અમીર મીયાને વેપારીઓએ રંગે હાથે પકડી પોલીસને હવાલે કર્યાે હતા. જેતપુરના પીઆઇ વી.કે.પટેલ તથા સ્ટાફે તુર્ત જ આ બંન્ને શખ્સોની પુછતાછ હાથ ધરી ધોરાજીમાંથી જાલીનોટો છાપવાનું કોમ્પયુટર સહિતની સામગ્રી કબ્જે કરી હતી. પકડાયેલ બંન્ને શખ્સોને જેતપુર પોલીસે રીમાન્ડ માટે રજુ કરતા કોર્ટે  ૪ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

દરમિયાન રિમાન્ડ પર રહેલ ધોરાજીના શીરાજ અને અમીર મિૈયાની જેતપુરના પીઆઇ વી.કે.પટેલ તથા સ્ટાફે આકરી પુછતાછ કરતા બંંન્નેએ અત્યાર સુધીમાં ૬ર,૦૦૦ની૧૦૦ના દરની નવી જાલીનોટો છાપ્યાની કબુલાત આપી હતી. તેમજ આ જાલી નોટો રાજકોટ શહેરના બહારના વિસ્તારો, જામનગર, જેતપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, મેંદરડા તથા બીલખામાં વટાવ્યાની કેફીયત આપતા પોલીસે આ જાલી નોટો કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

જેતપુરના પીઆઇ વી.કે.પટેલે જણાવ્યું હતું કે પકડાયેલ બંન્ને શખ્સો ૧૦૦ના દરની જે જાલી નોટો છાપી છે તેના સિરીયલ નંબર ૬એએમ૭૪પ૪૪૬ છે આ નંબરની ૧૦૦દરની નવી નોટો જોવા મળે હતો તે જાલી નોટ છે અને આ અંગે જેતપુર પોલીસના ફોન નંબર ૦ર૮ર૩- રર૦૦૩૩ પર જાણ કરવી.

પકડાયેલ સિરાજ અને અમીર મિંયાના રીમાન્ડ પુર્ણ થતા આજે વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયા છે.

(3:50 pm IST)