Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શાપર-વેરાવળની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ગોંડલ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા

ગોંડલ તા. રરઃ શાપર (વે.) માં રહેતી સગીરા ઉ.વ. ૧પ વાળી સાથે દુષ્કર્મ કરવાના ગુન્હામાં આરોપી સંજય બગતારામ ભીલ રહે. દાતા વાળાને ૧૦ વર્ષની સખત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના શાપર વેરાવળ ગામમાં રહેતી સગીર વયની (ભોગ બનનાર) ઉ.વ. ૧પ વાળીને તેની ઘરે અવાર નવાર આવતો આરોપી સંજય બગતારામ ભીલ રહે. દાતા વાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણા માંથી ભગાડી ગયેલ તેવી ફરીયાદ કિશનકુમારે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલી અને પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટ કલમ ૪, ૬ મુજબ ગુન્હો દાખલ કરેલ હતો.

ત્યારબાદ સગીરાની પોલીસે શોધખોળ કરેલ ત્યારબાદ સગીરા મળી આવતા સગીરા (ભોગ બનનાર) એ જણાવેલ કે આરોપી સંજય બગતારામ ભીલ રહે. દાતા વાળો પોતાના ગામ દાતા લઇ ગયેલ હતો અને ચીખલી લઇ ગયેલ ત્યાં સગીરા (ભોગ બનનાર) સાથે ચાર વખત દુષ્કર્મ કરેલ હતું અને આરોપી સંજય બગતારામ ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ ગોંડલની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા મારફત કેસ ચાલેલ અને સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ થયેલ અને આ કેસમાં કુલ ૧ર સાહેદોને તપાસવામાં આવેલ અને ફરીયાદીની જુબાની તથા ભોગ બનનારની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી આરોપી સંજય બગતારામ ભીલ રહે. દાતા વાળાને આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટ કલમ ૪,૬ મુજબ ગુન્હામાં ગોંડલના સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ શ્રી એમ. પી. પુરોહીતે ૧૦ વર્ષ સખત કેદની સજા ફરમાવેલ છે.

સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતા.

(11:52 am IST)