Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જુનાગઢ રિસામણે ગયેલી પત્નિએ ભરણ પોષણની નોટીસ મોકલતાં વિશ્વનગરના પલ્લવે જીવ દીધો

વરીયા કુંભાર યુવાને ગોંડલ હાઇવે પર ફર્નિચર કામની સાઇટ પર પગલુ ભર્યુઃ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૨: નાના મવા રોડ વિશ્વનગર ખીજડા ચોકમાં રહેતાં પલ્લવ યોગેશભાઇ કાનપરા (ઉ.૩૬) નામના વરીયા કુંભાર યુવાને ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ વાળી શેરીમાં નવા બનેલા પૃષ્ટિવિહાર કોમ્પલેક્ષની સાઇટ પર બારી-દરવાજા બનાવવાનું કામ કરતો હોઇ એ સ્થળે ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. રિસામણે ગયેલી પત્નિએ ભરણ પોષણની નોટિસ મોકલતાં આ પગલુ ભરી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ પલ્લવ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન જુનાગઢની નિશા મનસુખભાઇ મારડીયા સાથે બાર વર્ષ પહેલા થયા હતાં. પલ્લવને સંતાન નથી. તે સુથારી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારજનોના કહેવા મુજબ પલ્લવની પત્નિ નિશા પાંચેક મહિનાથી માવતરે રિસામણે જતી રહી છે. ગઇકાલે જ તેના તરફથી વકિલ મારફત ભરણ પોષણની નોટીસ આવતાં પલ્લવ ગભરાઇ ગયો હતો અને તે ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલવાળી શેરીમાં સાઇટ પર કામ કરતો હોઇ ત્યાં જ ઝેરી દવા પી ગયો હતો અને મોત નિપજ્યું હતું.

બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પલ્લવના પિતા હયાત નથી. તે માતા શારદાબેન, ભાઇઓ સહિતના સંયુકત પરિવારમાં રહેતો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને રામજીભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી.

(11:37 am IST)