Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કચ્છની સરકારી હોસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધા શરૂ કરવા ઉગ્ર માંગણી સાથે ધરણા

ભુજ, તા.૨૨: ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલની તબીબી સુવિધાઓ સુધારવા અને નવી સુવિધાઓ શરૂ કરવા માટે યુવા સામાજિક કાર્યકર રફીક મારાએ ધરણા કર્યા હતા. ધરણા સાથે જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપીને અદાણી ગ્રુપ દ્વારા કચ્છને ઉત્ત્।મ આરોગ્ય સેવા આપવાની બાંહેધરી પુરી કરવા કચ્છના લોકો વતી રજુઆત કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના રાજકીય આગેવાનો, કાર્યકરો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંભૂપણે કચ્છભરમાંથી લોકો જોડાયા હોવાનો દાવો રફીક મારાએ કર્યો હતો.

રફીક મારાએ કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જીકે જનરલને પીપીપી ધોરણે ચલાવનાર અદાણી ગ્રુપ બહેતર તબીબી સુવિધા કચ્છના લોકોને પુરી પાડે તેવી માંગ કરી છે. બબ્બે વખત ટ્રોમા સેન્ટરનું ઉદ્દદ્યાટન સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં થયું પણ ટ્રોમા સેન્ટર (અકસ્માતના બનાવોમાં ઇમરજન્સી સારવારની સુવિધા) હજી શરૂ થયું નથી, એવો આક્ષેપ કરતા રફીક મારાએ જણાવ્યું હતું કે, કચ્છમાં માર્ગ અકસ્માત તેમ જ ઔદ્યોગિક એકમોમાં થતાં અકસ્માત દરમ્યાન તબીબી સેવા મળતી નથી. એવી જ મુસીબત બર્ન્સ વોર્ડ માં છે, દાઝેલા દર્દીઓ દમ તોડી દે છે, આ સિવાય કિડની, હૃદયરોગ તેમ જ ન્યુરો સર્જરીનો વિભાગ પણ ઝડપભેર શરૂ થવો જોઈએ. રાજય સરકાર અદાણીનો સરકારી હોસ્પિટલની ગ્રાન્ટ પણ આપે છે, તો ખુદ અદાણી ગ્રુપ મેડિકલ કોલેજમાંથી પણ વર્ષે ૧૦૦ કરોડથી વધુ આવક મેળવતું હોવાનો આક્ષેપ કરતા રફીક મારાએ કચ્છને અદાણી પાસેથી તબીબી સેવાનો અધિકાર જોઈએ છે. સરકાર દ્વારા અદાણીનો અપાયેલ ૧૫૦૦ કરોડથી વધુ રૂપિયાની મેડિકલ કોલેજની જમીન તેમ જ હોસ્પિટલની જમીન ઉપર કચ્છના દાતાઓનું અપાયેલું દાન હોઈ તેના ઉપર કચ્છનો પણ અધિકાર છે. આ ધરણા કાર્યક્રમની મંજૂરી મેળવવા પોતે ત્રણ દિવસથી પોલીસ પાસે દોડી રહ્યા છે, પણ અદાણીને ઈશારે મંજૂરી આપવામાં પોલીસે પોતાને રખડાવ્યા હોવાનો આક્ષેપ રફીક મારાએ કર્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ સાંસદ ઉષાબેન ઠકકર, રવિન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગની કુંભાર, નરેશ મહેશ્વરી (દલિત અધિકાર મંચ), દિપક ડાંગર, ડો. રમેશ ગરવા, કલ્પનાબેન જોશી, માનસી શાહ, દતેશ ભાવસાર, હુસેન થેબા સહિત અન્ય લોકો જોડાયા હતા.

(11:36 am IST)