Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જસદણની પેટા ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજવાનો નિર્ણય

જસદણ વિધાનસભા બેઠક ચૂંટણીને લઇ ઉત્સુકતા : ૨૩મીએ પરિણામ : ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ : ૨.૨૮ લાખથી વધુ મતદાર ભાગ્યનો ફેંસલો કરશે

અમદાવાદ, તા.૨૨ : રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કુવરજી બાવળિયાએ પક્ષ પલ્ટો કરતા પેટા ચૂંટણી યોજવાની સ્થિતિ ઉદ્ભવી છે ત્યારે  આ બેઠક પર તા.૨૦ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને ૨૩મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ચૂંટણીપંચ દ્વારા જસદણ વિધાનસભા બેઠક માટેની ચૂંટણીની તારીખોની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જસદણ વિધાનસભા બેઠક જીતવી એ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે બંને પક્ષના દિગ્ગજો અને ઉમેદવારોનું પાણી મપાશે. તો, બીજીબાજુ, મતદારોમાં પણ ચૂંટણીને લઇ ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ, જસદણ બેઠક માટે તા.૨૬ નવેમ્બરે ફોર્મ ભરવાનું શરૂ થશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩ ડિસેમ્બર છે, તા. ૪ ડિસેમ્બરે ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તા.૬ ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત વચ્ચે ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષો પોતપોતાની રીતે આ બેઠક પર જીતના દાવા કરી રહ્યા છે. જસદણ વિધાનસભા બેઠકને લઇ જો સ્થાનિક જ્ઞાતિનું ગણિત જોઇએ તો, અહીં ૩૫ કોળી, ૨૦ ટકા લેઉવા પાટીદાર, સાત ટકા કડવા પાટીદાર, ૧૦ ટકા અનુસૂચિત જાતિ, આઠ ટકા આહીર, ક્ષત્રિય અને સાત ટકા લઘુમતી સમાજના મતદાર, તો, ૧૩ ટકા મતદાર અન્ય સમાજના છે. આમ જો કુલ મતદારોની વાત કરીએ તો, કુલ બે લાખ, ૨૮ હજાર ૪૩૦ મતદારો છે. આમ, ૨.૨૮ લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જસદણના પૂર્વ ભાજપના ધારાસભ્ય ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, કુંવરજીભાઇને ખભા પર બેસીને જીતાડીશું. તેમજ કુવરજી બાવળિયાએ પણ ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભરતભાઇ અને પોતે સાથે હોવાથી મતોનું વિભાજન અટકશે. ચૂંટણીની તારીખ જાહેર થવા છતાં હજી કોંગ્રેસના ઉમેદવારના ઠેકાણા નથી. કોંગ્રેસમાંથી ભોળાભાઇ ગોહેલ, અવસર નાકીયાનું નામ ઉમેદવાર તરીકે ટોચ પર છે. કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પણ ઉભા રાખે તો પણ નવાઇ નહીં. બીજીબાજુ, અહીં એનસીપીએ પણ ઉમેદવાર લડાવાનું મન બનાવી લીધું છે. આ બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાય તેવી શક્યતા છે. એનસીપી ભાજપના મત તોડવા ઉમેદવાર મુકી રહ્યુ છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઇ એનસીપી મેદાને પડશે તો જસદણ બેઠક કોળી મતદારોનો ગઢ કહેવાય છે અને વર્ષોથી લોકો કોંગ્રેસને મત આપી રહ્યા છે. આ વખતે જોવાનુ એ જ રહેશે કે કોંગ્રેસને વળગી રહેશે કે પછી કોળી ઉમેદવાર બાવળીયાની લોકપ્રિયતા યથાવત રહેશે. જો કે કોગ્રેસ પક્ષ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકી જો તે કોળી ઉમેદવાર મુકે તો જંગ જામશે.

આ વખતે ખેડૂત અને પક્ષ પલ્ટાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે. એનસીપીના ઉમેદવાર તરીકે રતીભાઈ ડોબરીયા અથવા ચાંદનીબેન પટેલનું નામ નિશ્ચિત હોવાનુ સુત્રો માની રહ્યા છે. પટેલો આમ પણ ભાજપથી નારાજ છે તે કોંગ્રેસ કે એનસીપી તરફ વળશે તો મતોનુ ધ્રુવીકરણ દેખાશે. સામા પક્ષે એક સમયના કોંગ્રેસ પક્ષના સાથી અને વિજય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ એકલા હાથે કુવરજી બાવળિયા વિરૂદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. વર્ષ ૧૯૯૦થી ૧૯૯૫ સમયે પણ જસદણમાં અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી. બાકી વિધાનસભામાં વર્ષોથી બાવળિયાનો દબદબો રહ્યો છે. ૧૯૯૦ -૯૫ની સાલમા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો આ વખતે એ પરિસ્થિતી ફરી જોવા મળશે કે સમગ્ર ચિત્ર બદલાય છે તેની પર હાલ તો સૌની નજર મંડાઇ છે.

(8:31 pm IST)