Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જામનગરમાં ઇન્કમટેકસનાં ફોર્મ માટે સુવિધામાં વધારોઃ પૂનમબેન માડમ

જામનગર તા.રરઃ જામનગર વિસ્તારના ઇન્કમટેકસના હજારો કરદાતાના હિત માટે સંસદસભ્યશ્રી પુનમબેન માડમે જામનગર કચેરીમાં ખાસ સુવિધા કરાવી છે જે અંગે તેમણે કેન્દ્ર સરકારશ્રી કેન્દ્રના નાણા વિભાગ અને ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટનો આભાર માન્યો હતો કેમકે અગાઉ ર૭ સી સહિતના ટી.ડી.એસ. અંગેના ફોર્મ માટે રાજકોટ જવું પડતું હતું.

હાલારની પ્રતિષ્ઠીત વેપારી સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ સાંસદશ્રી પુનમબેનને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી કે આવકવેરાના વિવિધ ફોર્મ રાજકોટને બદલે જામનગર કચેરીએ ફાઇલ કરવાની વ્યવસ્થા થાય તે જરૂરી છે. જેથી અનેક કરદાતાઓ અને અનેક ટેકસ પ્રેકટીશનરોને રાજકોટ જવું ન પડે.

સાંસદ પુનમબેન માડમ એ આવકવેરા વિભાગમાં ઉચ્ચ કક્ષાએ આ અંગે જરૂરી ભલામણ ભારપૂર્વક કરી હતી જેના પગલે રાજયના ધ ચીફ કમીશ્નર ઓફ ઇન્કમટેકસ (ટીડીએસ) આર.કે. શ્રી વાસ્તવએ જરૂરી હુકમો તુરંત કરી ઇન્કમટેકસ રીટર્ન બંધીત ફોર્મ નં. ૨૭ સી સહિતના જરૂરી ફોર્મ જામનગરમાંથી જ ફાઇલ થઇ શકે તે માટે ખાસ નોડલ ઓફીસરની નિમણૂંક કરી છે જેની જાણ સાંસદશ્રી પુનમબેનને કરી છે. આ સુવિધા થતા હજારો કરદાતાઓ માટે સુવિધા થઇ છે.

સરકારશ્રીના મહત્વના વિભાગો જેમની અગત્યની બાબતો જામનગર અને દ્વારકા જિલ્લાને સ્પર્શે છે તેવા કસ્ટમ્સ, એકસાઇઝ, ખાસ પ્રવાસન અને હેરીટેજ યોજના, એકસપ્રેસ નેશનલ હાઇવે, રેલ્વે, ઇન્કમટેકસ, પોસ્ટ, પાસપોર્ટ સહિતના દરેક વિભાગોના જન સુવિધા કરવાના પ્રશ્નો અંગે સાંસદશ્રી પુનમબેન કેન્દ્ર સરકારશ્રીમાં અને લગત વિભાગોમાં ભારપુર્વક રજુઆત કરી સતત નિરાકરણ કરાવતા રહયા છે જેનો ખુબ બહોળી સંખ્યામાં બંને જિલ્લામાં નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મેળવી રહયા છે. પ્રજા પ્રશ્ને સતત જાગૃત સાંસદશ્રી પુનમબેન દ્વારા થતા સફળ પ્રયાસો અંગે વખતો વખત તેમનું આભાર દર્શન અને સન્માન પણ સંસ્થાઓ દ્વારા થતું રહયું છે.

(1:53 pm IST)