Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રજાની સલામતિ મારી પ્રાથમિકતા રહેશેઃ હર્ષદ મહેતા

રાજકોટમાં તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે સુંદર કામગીરી કરનાર આ કાર્યદક્ષ અફસરને રેન્જ વડા નરસિંહા કોમાર સાથે કામ કરવાની તક મળતાં હર્ષમાં : અસામાજીક તત્વોને છોડવામાં નહિ આવેઃ ગુન્હો બનતા પહેલાં જ ગુન્હો થતાં અટકે તેવી વિચાર ધારાનો સ્ટાફમાં પ્રચાર-પ્રસાર કરાશેઃ માથાભારે તત્વો 'શાન'માં નહિ સમજે તો રાજકોટ સ્ટાઇલથી કામ લેવાશેઃ લોકો સીધો સંપર્ક કરી શકશેઃ બોટાદના એસપીની અકિલા સાથે વાતચીત

જૂનાગઢ તા. રર :.. બોટાદ એસપી તરીકે હર્ષદ મહેતાની નિમણુંક થતા તેઓ વિધીવત આજે ચાર્જ સંભાળી લીધો છે. શ્રી મહેતાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આજથી સાડા પાંચ વર્ષ પહેલા જીપીએસસીની પરીક્ષા પાસ કરી તાલીમ મેળવી સૌપ્રથમ જામનગર ગ્રામ્ય વિભાગ ડીવાયએસપી તરીકે પ્રોબેશનર પિરીયડ કરી ડીવાયએસપી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો ત્યાં એક વર્ષ પુર્ણ કરી દાહોદ ડીવીઝનમાં બદલી થતા ત્યાં ૩ વર્ષ સુધી ફરજ બજાવી અને રાજકોટ ખાતે એસીપી (પશ્ચિમ વિભાગ) માં મુકાયા હતા અને સવા બે વર્ષ સુધી ના સમય ગાળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સાથે રહી સુંદર કામગીરી બજાવી હતી. અને ૪ માસ પહેલા તેઓને એસપી તરીકે પ્રમોશન મળતા વડોદરા મધ્યસ્થ જેલના એસપી તરીકે ફરજ બજાવતા હતાં.

ગત તા. ર૦ ના રોજ તેઓની બોટાદ જીલ્લાના એસપી તરીકે બદલી થતા તેઓએ બોટાદનાં એસપી તરીકે વિધીવત ચાર્જ સંભાળેલ છે.

શ્રી હર્ષદ મહેતા એ ચાર્જ સંભાળતાની સાથે જ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે જિલ્લામાં પ્રજાની સલામતીના મુદ્ે કોઇ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને અસામાજીક તત્વોને છોડવામાં આવશે નહીં. કડક અને પ્રમાણીક પોલીસ અધિકારીની છાપ ધરાવતા શ્રી હર્ષદ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે કાયદો - વ્યવસ્થાની સ્થિતી વધુ સંગીનબને અને લોકોની સલામતી જળવાય રહે તે માટે તેઓ તત્પર છે કોઇપણ જાતની ગુનાહીત પ્રવૃતિ થાય તે પહેલા જ ગુનેગારોને ટ્રેક કરવામાં આવશે જેની ગુનાહિત પ્રવૃતિને જળમુળમાંથી જ ડામી શકાશે. અને માથાભારે તત્વો અને અસામાજીક તત્વો ઉપર વોચ રાખી કોઇની પણ શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી હાથ ધરાશે જેથી અસામાજિક પ્રવૃતિને અવકાશ રહે નહી ગુનેગારોને જેર કરવા વાહન ચેકીંગ હાથ ધરાશે અને ગુનાહિત તત્વોની મુવમેન્ટ ઉપર બાજનજર રાખવામાં આવશે.

શ્રી મહેતાએ વધુમાં જણાવેલ કે લોકોને સલામતીનો અહેસાસ થાય અને ગુનેગારો તેની પ્રવૃતિ કરી ન શકે તે માટે દરેક પોલીસ સ્ટેશન દ્વારા ફુટ પેટ્રોલીંગ ગોઠવવામાં આવશે અને પોલીસની હાજરીનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરાશે લોકોને કોઇ અસામાજીકો દ્વારા કનડગત અથવા કોઇ સમસ્યા હોય તો સીધો એસપી કચેરીનો સંપર્ક સાધવા અંતમાં તેઓએ જણાવ્યું હતું.

(12:11 pm IST)