Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં વાહન પાર્કિંગ ચાર્જ લેવાતા લોકોમાં નિરાશા

પ્રભાસ પાટણ તા.૨૨ : સોમનાથનો પાંચ દિવસનો સુપ્રસિદ્ધ કાર્તિકપૂર્ણિમાના મેળામાં મેળો માણવા આવનાર વાહન ચાલકો પાસેથી વાહન પાર્કિંગનો ચાર્જ લેવાનો શરૂ કરતા ગરીબ અને મધ્યમવર્ગનાં મેળો માણવા આવનાર જનતાને એકતો મોંઘવારી અને તેમાં વાહન પાર્કિંગ માટે ચાર્જ દાખલ કરી તોતીંગ આવક મેળવતા ટ્રસ્ટે જનતાને એક વધુ હાલાકી આપી છે.સોમનાથ ટ્રસ્ટના મેળામાં એક તો સ્ટોલનાં ભાડા અને ચકડોળનાં ઉંચા ભાડા રાખવાને કારણે મેળામાં ચકડોળ અને સ્ટોલવાળા દરેક ચીજવસ્તુમાં વધુ ભાવ લે છે. છતાં પ્રજાને સારો મેળો મળે તે માટે પ્રજા શુભ ભાવથી આ સહન કરી રહેલ છે. તેમાં આ પાર્કિંગમાટે ચાર્જ લેવાનું ચાલુ કરાતા પ્રજાને દાઝયા ઉપર ડામ જેવું છે. ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહનો છેક દૂર-દૂરથી આવ્યા હોય તે ચાર્જનું નામ સાંભળતા ભડકે છે. કચવાતા મને ચાર્જ ભરે છે.

સોમનાથ ટ્રસ્ટને મેળામાં વિશાળ આવક અને મંદિરની પણ જોરદાર આવક હોવા છતાં આ વાહન પાર્કિંગના પૈસા વસુલ કરે છે. ટ્રસ્ટ દ્વારા વાહન પાર્કિંંગ ફ્રી રાખવું જોઇએ અને વાહન સાચવણી-ગોઠવણીની સલામતી અને સુરક્ષા આપી લોકોનું દીલ જીતવું જોઇએ તેવી લાગણી પ્રવર્તી રહી છે.

કેટલીક નગરપાલિકા-મહાનગર પાલિકા અને મોલ-સીનેમા થીયેટરોને કાર્યાલય કે હાઇકોર્ટ દ્વારા વાહન પાર્કિંગની સેવા કોઇપણ જાતનાં ચાર્જ વગર વિનામુલ્યે કડક આદેશ પણ આપેલ છે. જો ટ્રસ્ટ દ્વારા પે-પાર્કિંગ પ્રથા સદંતર બંધ કર દેવી જોઇએ.

વાહન પાર્કિંગના ઉઘરાણા બાબતે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ કે ગત વર્ષે બાઇકની ચોરી થતા પે-પાર્કિંગ દાખલ કરવામાં આવેલ છે અને પાર્કિંગનાં બે ભાવ રાખવામાં આવેલ છે જેમાં ૧૦ અને ૨૦ તેમ જણાવેલ છે.

(12:08 pm IST)