Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગોંડલ પોલીસે ૨૭ લાખનો નકલી મનાતા 'ઘી'નો જથ્થો ઝડપી લીધોઃ નમૂના પરીક્ષણમાં મોકલાયા

રાજકોટ, તા. ૨૨ :. ગોંડલ પોલીસે વાડીના ગોડાઉનમાં દરોડો પાડી નકલી મનાતા ૨૭ લાખનો ઘીનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ ખાતે રહેતા અને નેશનલ હાઈવે નજીક માલધારી હોટલ પાસે વાડી ધરાવતા ભવાન વિરજી ગજેરા નામના ખેડૂતની વાડીના ગોડાઉનમાં ગોંડલ ભોજરાજપરા કુંભારવાડામાં રહેતો હરસુખ વાઘજી પરમાર નામના શખ્સ દ્વારા 'સગુન કાઉ ઘી' બનાવાતુ હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલના પીઆઈ મહેશ સંગાડા તથા પીએસઆઈ બી.એલ. ઝાલાની ટીમે ઉકત સ્થળે રેડ કરી ૨૭.૪૩ લાખની કિંમતનો ૧૨૭૩૮ લીટર શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. લેબ રીપોર્ટમાં આ ઘીનો જથ્થો નકલી હોવાનું ખુલશે તો હરસુખ પરમાર સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પીઆઈ મહેશ સંગાડાએ જણાવ્યુ છે.

આ પહેલા પણ ગોંડલ પોલીસે શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી ઝડપી લીધી હતી. ત્યાર બાદ આજે વધુ એકવાર ગોંડલ પોલીસે શંકાસ્પદ ઘીનોે જંગી જથ્થો ઝડપી લીધો છે.  આ કાર્યવાહીમાં ગોંડલના પીએસઆઈ બી.એલ. ઝાલા, હેડ કોન્સ. યુવરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ખીમસુરીયા, જયંતીભાઈ સોલંકી, વિશાલભાઈ સોલંકી તથા ફ્રુડ વિભાગ રાજકોટનો સ્ટાફ જોડાયો હતો.

(3:44 pm IST)