Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સાવરકુંડલાઃ કોવિડની આડમાં પાક વિમા યોજન બંધ કરી દિધીઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. રર :.. લાઠી-બાબરાનાં ધારાસભ્ય શ્રી અને પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, સત્તા સામે નાગરીકોમાં અને વિશેષતઃ ખેડૂતોમાં રહેલો અસંતોષ, આક્રોશ તોડવા ભાજપે ગુજરાત સરકારમાં ચહેરા બદલીને વહીવટી ચાલાકી ચાલુ રાખી છે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે સહાય જાહેર કરી એક રીતે ૩૧ ઓગસ્ટ સુધીમાં જયાં વરસાદ જ નહોતો પડયો તેવા ખેતરોમાં ફદિયુ પણ નહિ મળે એમ સ્પષ્ટ કર્યુ છે. ગુજરાતમાં કોવિડની આડમાં ભારત સરકારની સહાય ધરાવતી પાક વિમા યોજનાને બંધ કરી તેના વિકલ્પમાં એક વર્ષથી સીએમ કિસાન સહાય યોજના અમલમાં છે.

આ નવી યોજના હેઠળ ખરીફ સીઝનમાં જે તાલુકામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ થાય અથવા ૩૧ ઓગસ્ટ સુધીમાં બે વરસાદ વચ્ચે સળંગ ર૮ દિવસનું અંતર હોય અને આ સ્થિતિમાં કૃષિ નુકશાન થાય તો તેને અનાવૃષ્ટિ અર્થાત દુષ્કાળનું જોખમ ગણવાનો નિયમ છે. આ નિયમ મુજબ આ વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૦૪ થી વધુ તાલુકાઓમાં સત્તાવારપણે દુષ્કાળની સ્થિતિ હતી.

સીએમ કિસાન સહાય યોજના હેઠળ એકપણ તાલુકામાં અનાવૃષ્ટિ કે દુષ્કાળનું  જોખમ જાહેર ન થયું. હવે વરસાદ ખેંચાવાને કારણે જયાં પાક નિષ્ફળ ગયો, ઉત્પાદન ઘટયું, ગુણવતા નબળી પડી ત્યાંના ખેડૂતોને એક રૂપિયાની સહાય મળશે નહીં. સી. એમ. કિસાન સહાય યોજનામાં ખરીફ સિઝનમાં ૩૩ થી ૬૦ ટકા પાક નુકશાન થયુ હોય તેમાં કુલ રૂ. ૮૦,૦૦૦ થી એક લાખ સુધીની સહાય મળવાપાત્ર છે જેના ઉપર આ વર્ષે પુર્ણ વિરામ મુકાઇ ગયું છે. તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

(12:42 pm IST)