Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પોરબંદરઃ ગેરકાયદે આરબ અમીરાત જવાના કેસમાં આરોપીઓનો છૂટકારો

પોરબંદર, તા. ૨૨ :. સને ૧૯૯૪ની સાલમાં આરબ અમીરાત (દુબઈ) મુકામે ગેરકાયદેસર રીતે જવાના બનેલ બનાવના કામે સંડોવાયેલ તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

અત્રે પ્રાપ્ત વિગતો મુજબ (૧) રાજશી ગીગા મોઢવાડીયા રહે. વડાળા (૨) બાલુ હરભમભાઈ મોઢવાડીયા રહે. મોઢવાડા, (૩) ભીમા પરબત મોઢવાડીયા રહે. વડાળા, (૪) લાખાભાઈ નાગાભાઈ રહે. મોઢવાડા, (૫) રાજશીભાઈ લખમણભાઈ મોઢવાડીયા રહે. મોઢવાડા, (૬) માલદે પરબતભાઈ ચાવડા રહે. ભીંડા, તા. ખંભાળીયાવાળાની સામે એવા મતલબનો ગુન્હો નોંધાયેલ કે, આરોપીઓ દ્વારા સને ૧૯૯૨ના વર્ષમાં પોરબંદરના સુભાષનગર, ગોડાઉન પાસેથી દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે આરબ અમીરાત (દુબઈ) જઈ ગુન્હો આચરેલાની હકીકતો જાહેર થતા તમામ આરોપીઓની સામે ધોરણસર ફરીયાદ દાખલ કરી આરોપીઓ વિરૂદ્ધ ઈન્સાફ થવા સારૂ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આરોપીઓની પાસે પાસપોર્ટ ન હોવાનો સચોટ અને શંકા રહિત પુરાવો આ કામે રજૂ રાખેલ ન હોય અને તે રીતે સદર કિસ્સામાં રેકર્ડ જોતા જ સદર કાયદાની જોગવાઈ તળે કરવામાં આવેલ મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ થયેલ હોય અને તે રીતે ફરીયાદીના કેસમાં શંકા ઉભી થાય છે. આમ વિવિધ ચુકાદાઓ તેમજ ફરીયાદ પક્ષે રજુ થયેલા પુરાવાઓને કાયદા મારફત ખંડન કરી આરોપીઓને નિર્દોષ જાહેર કરવા અપીલ કરતા કોર્ટે આરોપીના વકીલશ્રી તરફથી કરવામાં આવેલ દલીલો તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા. ૩૦-૯-૨૦૨૧ના રોજ જાહેર કર્યો.

આરોપીઓ પક્ષે પોરબંદરના વિદ્વાન ધારાશાસ્ત્રીશ્રી જે.પી. ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી. જુંગી, પંકજ પરમાર, વિનોદ પરમાર, જીજ્ઞેશભાઈ ચાવડા તથા મયુર સવનીયા રોકાયેલ હતા.

(12:37 pm IST)