Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દ્વારકા જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા રોહીદાસ જૂથની બહેનોને લોન મંજૂરી પત્ર એનાયત

દેવભૂમિ દ્વારકા,તા.૨૨: ગ્રામ્‍ય અને શહેરી કક્ષાએ અસંગઠિત, ઓછી આવક ધરાવતા અને છૂટક કામકાજ કરતા પરિવારોની મહિલાઓ આર્થિક બાબતે આત્‍મનિર્ભર બને અને જુદા જુદા વ્‍યવસાય થકી રોજગારી મેળવી પગભર થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્‍વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્‍યોદય યોજના હેઠળ ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનું અમલીકરણ આવી છે. તેવી જ રીતે કોરોના મહામારીના કારણે આર્થિક બાબતોમાં ઉભી થયેલી મુશ્‍કેલીઓના નિવારણ માટે રાજય સરકાર દ્રારા મહિલાઓને પગભર બનાવવાના હેતુથી મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના અમલમાં મુકવામાં આવી છે.
જેમાં ૧૦ બહેનોના જોઈન્‍ટ લાયેબીલીટી અર્નિંગ એન્‍ડ સેવિંગ ગ્રુપ (JLESG)ની રચના કરવામાં આવે છે, અને સરકાર સાથે કરાર કરેલ નાણાકીય સંસ્‍થાઓ આવા ગ્રુપની બહેનો સ્‍વાવલંબી અને આત્‍મનિર્ભર બને તે માટે રૂપિયા એક લાખની લોન આપે છે, જેનું વ્‍યાજ સરકાર દ્રારા ભોગવવામાં આવે છે. મહિલાઓને વગર વ્‍યાજે આ લોનની રકમ મળવાથી તેઓ તેમના આર્થિક ઉપાર્જન માટેની કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરી શકે છે, જેના થકી આ યોજનાની લાભાર્થી બહેનો તેમના પોતાના જ વતનમાં એટલે કે, જન્‍મભૂમિના ખોળે જ કામધંધો કરી તેમની રોજગારીમાં વધારો કરી આત્‍મનિર્ભર બનતી નજરે પડે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાનો લાભ વધુને વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી ભાવેશ એન.ખેરની ઉપસ્‍થિતિમાં કલ્‍યાણપુર તાલુકાના રાણ ગામ સ્‍થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખા દ્રારા મોટા આસોટા ગામના રોહીદાસ સ્‍વસહાય જૂથને રૂપિયા ૧ લાખની લોન આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રંસગે બેંક મેનેજરશ્રી પ્રિયાંક પ્રજાપતિ અને જિલ્લા લાઈવ્‍લીહુડ મેનેજરશ્રી અરશીભાઇ નંદાણીયાના હસ્‍તે રોહીદાસ સ્‍વસહાય જૂથની બહેનોને લોન મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્‍યો હતો. આ તકે કલ્‍યાણપુર તાલુકા પંચાયતના તાલુકા લાઈવ્‍લીહુડ મેનેજેરશ્રી જયશ્રીબેન જેઠવા, યોગેશભાઈ કણઝારીયા તથા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક - રાણ શાખાના સર્વે કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:12 am IST)