Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગુન્‍હો આચરી વહાણમાં વિદેશમાં ચાલ્‍યા ગયેલ અને પરત આવતા પોલીસે સલાયા જેટી ઉપરથી જ આરોપીને ઝડપી લીધો

ખંભાળિયા તા.રર : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ - રાજકોટ તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષીની સુચના મુજબ દેવભુમી દ્વારકા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને વણ શોધાયેલા ગુન્‍હાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા દેવભુમી દ્વારકા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.એમ.ચાવડા તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.સી. સીંગરખીયાનાઓને સુચનાઓને આપેલ જે અનુસંધાને તમામ એસ.ઓ.જી. સ્‍ટાફને દેવભુમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલીંગ કામગીરી કરવા જણાવેલ હોય.
જેથી આજરોજ તા.ર૧-૧૦-ર૦ર૧ના રોજ આસી. સબ  ઇન્‍સ. રાજેન્‍દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા મહાવીરસિંહ બળવંતસિંહ ગોહિલ વિગેરે સ્‍ટાફના માણસો લાયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન આસી. સબ ઇન્‍સ. રાજેન્‍દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્‍સ.  ધર્મેન્‍દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા (ધમભા જાડેજા)નાઓને હકિકત મળેલ કે સલાયાના મરીન પોલીસ સ્‍ટેશનએ પોર્ટ ગુ.ર.નં. ૧૧૧૮પ ૦૦૭ર૦૦પ૯૩ - ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪૬પ, ૪૬૭, ૪ઁ૬૮, ૪૭૧, ૪૭ર, ૧ર૦-બી મુજબ ગુન્‍હાના કામે નાસતો ફરતો આરોપી મજીદ જુનુભાઇ ભાગાડ ગુન્‍હો કરી વહાણમાં વિદેશ ચાલ્‍યો ગયેલ છે.
જે અંગે આરોપી ગયેલ તે વહાણની તથા આરોપીની વોચમાં હતા અને ખાનગી રાહે જાણવા મળેલ કે વહાણ સલાયા આવવાનું છે અને તેમાં આરોપી પણ આવનાર છે. જેથી તુર્ત જ સલાયા જેટી ખાતે પહોંચી જઇ સલાયા મરીન પોલીસ સ્‍ટેશનના ઇમીગ્રેશન ઓફિસર દેવેન્‍દ્રસિંહ જાડેજાને સાથે રાખી વહાણ મહેબુબ મોયુદીન નામના વહાણમાંથી ઉતરતા ખલાસીઓ પૈકી મજીદ નામની બુમ પાડી આરોપીની ખરાઇ કરી ઉપરોકત ગુન્‍હાના કામનો આરોપી મજીદભાઇ જુનુસભાઇ આલીભાઇ ભગાડ વાધેર (ઉ.વ.૩૮) ધંધો વહાણવટુ રહે. સલાયા, રેલવે સ્‍ટેશન રોડ, બારલો વાસવાળાને પુછપરછ કરતા પોતે ગુન્‍હો કર્યાની કેફીયત આપતા મજકુર ઇસમને અટક કરી સલાયા મરીન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.
ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ. જી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.એમ.ચાવડા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.સી.સીંગરખીયા આસી. સબ. ઇન્‍સ્‍. રાજેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસ કોન્‍સ. ધમભા જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સલાયા મરીન પોલીસ સ્‍ટેશનના દેવેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.


 

(11:06 am IST)