Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મિશન વેક્સિન: દેશમાં ૧૦૦ કરોડ ડોઝના વિક્રમની કચ્છમાં ઉજવણી : કચ્છમાં અત્યાર સુધી ૧૪ લાખ લોકોને પ્રથમ અને ૬.૫ લોકોને બીજો એમ કુલ ૨૦.૫ લાખ રસીના ડોઝ અપાયા

ભુજ વ્યાયામ શાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ મેડીકલ સ્ટાફનું કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ની વિશેષ ઉપસ્થિતિમાં બહુમાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::  દેશમાં વેકિસનના ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવાની ખુશીમાં ભુજ વ્યાયામ શાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ એવા મેડીકલ સ્ટાફનું કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ની વિશેષ ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના ભયજનક અંધકાર વચ્ચે ભારતીય વેકસિનએ એકમાત્ર  ઉપાય તરીકે આશાનું કિરણ બનીને ભારતની સામે આવ્યું પરંતુ સૌથી મોટો પ્રશ્ન ભારતની આટલી મોટી વસતિને વેકસીન આપવાનો, પરંતુ ભારતના આરોગ્ય કર્મીઓએ હાર ન માની તેઓ આ પડકાર સામે જજુમ્યા, લોકોને સમજાવ્યા, છેવાડાના વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોને વેકસીન આપી રાત દિવસ જોયા વિના સખત મહેનત કરી અને તેનું પરિણામ એ આવ્યું કે, આપણે આવું ભગીરથ કાર્ય કરી શકયા અને વેકસીનના ૧૦૦ કરોડ ડોઝનો લક્ષ્યાંક સિધ્ધ કરી શકયા. જેથી કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓની આ કર્મનિષ્ઠાનું સન્માન સંપૂર્ણ દેશમાં કરવામાં આવી રહયું છે. જે અન્વયે ભુજમાં કલેકટર પ્રવિણા ડી.કે.ની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડ દ્વારા આરોગ્ય કર્મીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ કલેકટરશ્રીએ આરોગ્ય કર્મીઓ તેમજ સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓની મહેનત તેમજ જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર તેમજ જન સહયોગ થકી આ ભગીરથ કાર્ય સાકાર થઇ શકયું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૪ લાખ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૬.૫ લાખ લોકોને બીજો ડોઝ એમ કુલ ૨૦.૫ લાખ લોકોની રસી આપવામાં આવી છે.

આ પ્રસંગે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફીસર્સ, ફાર્માસીસ્ટ તેમજ અન્ય આરોગ્ય કર્મીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કેક કાપીને આ ખુશીને વધાવી લેવાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નાયબ પશ્ચિમ પોલીસ અધિકારીશ્રી જે.એન.પંચાલ, સિવિલ સર્જનશ્રી કશ્યપ બુચ, પોલીસ વિભાગના પી.એસ.આઇ.શ્રી ઝાલા, શ્રી જાડેજા તેમજ અગ્રણી રેશ્માબેન ઝવેરી અને આરોગ્યકર્મીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.

(9:40 am IST)