Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોડીનારમાં માસુમ બાળા ઉપર થયેલ બળાત્કારનીCID દ્વારા તટસ્થ તપાસ કરાવોઃ મુખ્યમંત્રીને આવેદન

ફકીર સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજૂઆતઃ રાજકીય આગેવાનો પણ સંડોવાયાના આક્ષેપો

કોડીનારમાં માસુમ બાળા ઉપર થયેલ બળાત્કારની સીઆઇડી દ્વારા તટસ્થ તપાસ કરવા આગેવાનોએ આજે આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. રરઃ  સમસ્ત ફકીર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર મુકામે માસુમ બાળા પર થયેલ બળાત્કારની સીઆઇડી જેવી તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરાવી પગલા લેવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર મુકામે સગીર વયની માસુમ બાળા પર રાજકીય આગેવાને અમાનવીય કૃત્ય આચરીને માસુમ બાળા પર બેરહેમીથી બાળાને પીંખી નાખી બળાત્કાર ગુજારેલ છે. તેમજ આ કૃત્યમાં અન્ય લોકોને મદદગારી કરેલ છે. જેની એફ.આઇ.આર. કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, અને આ કેસમાં અન્ય માથાભારે રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શંકા છે.

આ પ્રકરણ ભીનું સંકેલી લેવા ઘણા પ્રયત્નો ચાલુ છે, આ બનાવમાં ભોગ બનનાર બાળાને તથા તેના દાદીમાં કે જે ફરીયાદી છે તેને કોડીનાર તાલુકાના અમુક આરટીઆઇ એકવીસ્ટ તેમજ અમુક સરપંચો તથા અન્ય માથાભારે વ્યકિતઓ દ્વારા દબાવવા અને નાણાંકીય લાલચો આપે છે. ભોગ બનનાર માસુમ બાળા તથા તેના દાદીમાને રક્ષણ આપવા અમારી માંગણી છે.

સ્થાનિક પોલીસની તટસ્થતાથી તપાસ ન કરતા હોય હજુ પુરેપુરા તહોમતદારોની ધરપકડ થયેલ નથી, જેથી આ બનાવમાં ઢાંક પીછોડો ન થાય અને આપની સંવેદનશીલ સરકાર બદનામ ન થાય અને હવે પછી અવાર-નવાર કોઇપણ સમાજની બહેન દીકરી આવા નરાધમોનો શીકાર ન બને તેના માટે સરકારમાં પણ એક એવો કાયદો બનાવવા માટે અમારી વિનંતી છે. આવેદન દેવામાં હારૂનભાઇ તથા અન્ય આગેવાનો જોડાયા હતા.

(4:26 pm IST)