Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિસાવદરમાં મકાન દુર્ઘટના, મકવાણા પરિવારે જીવ બચાવવા દોટ મુકી છતાં માતા-પુત્રને મોત આંબી ગયુ

વરસાદથી મકાન ધરાશાયી થવાથી પિતા-પુત્રને ગંભીર ઇજા, પરિવારનાં મોભીના વૃધ્ધ માતા-પિતાનો ચમત્કારિક બચાવ

વિસાવદર કાલે રાત્રે વિજળીનાં કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદે એક ગમખ્વાર ઘટના નોતરતા પસીનો પાડી પેટીયું રળતા ગરીબ પરિવાર પર વ્રજઘાત થયો છે. ચાલુ વરસાદે મકાન ધરાશયી થતા મા-દિકરાના મોત અને બાપ-દિકરો ઇજાગ્રસ્ત થયાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીર : યાસીન બ્લોચ -વિસાવદર)

(વિનુ જોશી-યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર-જુનાગઢ તા. રર :.. વિસાવદરના રેલ્વે સ્ટેશન પાસે ગત રાત્રે મકાન દુર્ઘટના સર્જાઇ હતી. વરસાદથી ધરાશાયી થતાં મકવાણા પરિવારે જીવ બચાવવા દોટ મુકી હતી છતાં માતા-પુત્રને મોત આંબી ગયુ હતું અને પિતા-પુત્રને ગંભીર ઇજા થઇ હતી.

આ ઘટનામાં પરિવારનાં મોભીનાં વૃધ્ધ માતા-પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો.

વિસાવદરમાં ગત રાત્રે ભારે પવન વચ્ચે મેઘરાજાએ તાંડવ કર્યુ હતું.

દરમ્યાન વિસાવદરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ જીવાજી શેઠનાં ડેલામાં રહેતાં કોળી દિનેશભાઇ ગોબરભાઇ મકવાણા, (ઉ.૪૦) નું જુનુ મકાન વરસાદને તુટી પડયું હતું.

રાત્રીનાં ૯ વાગ્યાની આસપાસની આ ઘટનામાં મકાનનો પીઢીયા વગેરે જમીન દોસ્ત થતાં રૂમમાં રહેલ દિનેશભાઇના પત્ની રીટાબેન (ઉ.૪૦) અને આઠ વર્ષીય દિવ્યેશ ઉર્ફે દિવ્યનું કાટમાળ નીચે દબાણ જવાથી ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું.

જયારે દિનેશભાઇ અને બીજો દિકરો દિપ્સ (ઉ.૧૧) મકાનનાં રૂમની બહાર હતાં. તેમણે બંનેએ દોટ મુકી હતી છતાં બંને પર કાટમાળ થતા પિતા-પુત્રને ગંભીર ઇજા થઇ હતી.

સ્ટેશન વિસ્તારમાં મકાન પડવાનો અવાજ આવતાં આસપાસમાંથી લોકો તેમજ પોલીસ કાફલો વગેરે દોડી ગયા હતાં. અને રાહત - બચાવ કામગીરી હાથ ધરી હતી.

કાટમાળ નીચેથી માતા-પુત્રનાં મૃતદેહ જ બહાર નિકળ્યા હતાં. જયારે દિનેશભાઇ અને પુત્ર દિપ્સને સ્થાનીક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

મકાન પડવાની ઘટના વખતે દિનેશ મકવાણાના વૃધ્ધ માતા-પિતા ઘરમાં બેઠા હોય બંનેનો આબાદ બચાવ થયો હતો.

દિનેશભાઇ મજૂરી કામ કરીને પેટિયુ રળે છે. તેમનું મકાન ખૂબ જ જુનુ હોવાનું જણાવાય છે. વરસાદ અને પવનની થપાટે મકાન જમીન થઇ જતા મકવાણા પરિવારે આશરો અને બે સભ્ય ગુમાવતા અરેરાટી સાથે ગમગની વ્યાપી ગઇ છે.

(3:10 pm IST)