Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચાર ચાર હત્યાથી જખણીયા ગામ સ્તબ્ધઃ પુત્રીઓની બિમારી અને આર્થિક તંગીથી પત્ની, પુત્રીઓની હત્યા કરનાર શિવજીને શોધખોળ જારી

પહેલાં બે નાની દીકરીઓ પછી મોટી દીકરીની હત્યા નિપજાવી શિવજી એ બહારથી આવનાર પત્નિને ઝેર પીવડાવ્યું, ડ્રોન કેમેરા દ્વારા આરોપીને શોધવા પોલીસની દોડધામ

(વિનોદ ગાલા દ્વાા) ભુજ, તા.૨૨: સમગ્ર કચ્છમાં આદ્યાત સર્જતી ચાર ચાર હત્યાની માંડવીના જખણીયા ગામની અરેરાટીભરી દ્યટના પછી નાનકડું જખણીયા ગામ સ્તબ્ધ છે. ત્રણ દીકરીઓ અને પત્નિની હત્યા કરનાર શિવજી પચાણ સંદ્યારને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. પોલીસે ડ્રોન કેમેરા દ્વારા પણ શોધખોળ શરૂ કરી છે. ૪૦ વર્ષીય શ્રમજીવી શિવજી પોતાની બે પુત્રીઓની બિમારીના કારણે આર્થિક મુશ્કેલી સાથે સતત ચિંતા અને તાણમાં હતો. તેની બે નાની દીકરીઓ ૫ વર્ષની કિંજલ અને ૨ વર્ષની ધર્મીષ્ઠા નો શારીરિક વિકાસ થતો નહોતો. તેમનો અમદાવાદ ઈલાજ ચાલુ હતો. શિવજીએ ગઈકાલે સવારે ૧૦ વાગ્યાના અરસામાં એ બંને દીકરીઓને તિક્ષ્ણ હથિયારથી મારી તેમની લાશને કોથળામાં નાખી હતી. પછી બજારમાં ગયેલી ૧૦ વર્ષીય પુત્રી ધ્રુપ્તિ દ્યેર આવતા તેની પણ હત્યા કરી તેની લાશ કોથળામાં નાખી દીધી હતી. પછી રૂમને બંધ કરી દીધો હતો. થોડીવાર બાદ તેની પત્નિ ભાવનાબેન દ્યેર આવતાં તેને નીચે પટકી બળજબરી ઝેર પીવડાવ્યું હતું, પણ ભાવનાબેને બુમાબુમ કરતાં પડોશીઓ દોડી આવતાં શિવજી નાસી છુટ્યો હતો. પડોશીઓ ભાવનાબેનને લઈ માંડવી હોસ્પિટલ જવા નિકળ્યા હતા પણ રસ્તામાં જ ભાવનાબેને દમ તોડી દીધો હતો. અન્ય ગ્રામજનોએ શિવજીની દીકરીઓ કયાં છે, તે શોધખોળ કરતાં તેમને ઓરડામાં લોહીલુહાણ હાલતમાં કોથળામાંથી ત્રણ લાશ મળી હતી. આદ્યાત પામેલા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. તમામ લાશો પીએમ કર્યા બાદ જયારે અગ્નિદાહ માટે ગામમાં આવી ત્યારે આખુંયે જખણીયા ગામ સ્તબ્ધતા સાથે શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આમ, ગરીબી અને બિમારીથી ત્રસ્ત થઈ માનસિક સમતુલા ગુમાવી ચુકેલા શિવજીએ જાતે જ પોતાના પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.

(11:34 am IST)