Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

૨૦૦૯માં ગિરનાર રોપ-વે યોજના ચાલુ કરવા સર્વપક્ષીય આંદોલન થયું'તુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.રર : તા.૪-૯-૨૦૦૯ના રોજ ગિરનાર રોપ-વે યોજના તાત્કાલીક શરૂ કરવા માટે પુજય સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં એક સર્વપક્ષીય આંદોલન પણ કરવામાં આવેલ, જેમાં સંતો, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, કરશનભાઇ ઘડુ, નિર્ભયભાઇ પુરોહીત, અમૃતભાઇ દેસાઇ, એભાભાઇ કટારા વગેરે જોડાયા હતા.

ગુજરાત સરકાર દ્વારા ભારતના પ્રખ્યાત કદમ એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ ગિરનાર રોપવે યોજનાની પર્યાવરણીય અને અન્ય અસરોનો અભ્યાસ કરવા માટે નિમણુંક કરવામાં આવેલી. આ સંસ્થા દ્વારા ગિરનાર રોપવે યોજનાનો પર્યાવરણીય, સામાજીક, આર્થિક એમ દરેક બાબતના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે આ પ્રકારના પ્રોજેકટનો વ્યવસાયીક ધોરણે અભ્યાસ કરે છે. આ સંસ્થાના અહેવાલ પ્રમાણે ગિરનાર રોપવે પ્રોજેકટની પ્રવૃતિઓનું મુલ્યાંકન કરતા એ તારણ કાઢવામાં આવ્યુ છે કે, આ પ્રવૃતિથી હકારાત્મક અને નકારાત્મક બંને અસરો પર્યાવરણ પર જોવા મળે છે પણ આ યોજનાની આવી કોઇ પ્રવૃતિ નથી કે જેનાથી પર્યાવરણ પર અવળી અસર પડે અને પર્યાવરણને નુકશાન થાય. આ યોજનાને કારણે સ્થાનિક વ્યકિતઓને લાભ મળશે.

ગિરનાર રોપવેનું ડિઝાઇનીંગ કરવા માટે યુરોપમાં વર્ષમાં ૧૫૦ રોપવે બનાવનાર ડોપલમેર કંપનીના ૩ નિષ્ણાંતો તથા ઉષા બ્રેકોના અધિકારીઓએ તા.૩-૪ તથા ૫ એપ્રિલ ૨૦૦૯ના જુનાગઢ મુકામે ગિરનાર રોપવેના સ્થળની મુલાકાત લઇ લોઅર સ્ટેશન, અપર સ્ટેશન તથા રોપવે લાઇનનું ડીઝાઇનીંગ કરવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

તા.૨૦ તથા ૨૧ ડીસેમ્બર ૨૦૧૦ના રોજ સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો દિવ્યભાનુ સિંઘ તથા ડો.નિતા શાહે રોપવે યોજનાના સ્થળની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.

તા.૨૭-૧-૨૦૧૧ના રોજ કેન્દ્રીય અને વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢમાં રોપવે યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી તથા સંતો તથા ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, નિર્ભયભાઇ પુરોહિત, અમૃતભાઇ દેસાઇ વગેરે આગેવાનો તથા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જયરામ રમેશે પોતાની જૂનાગઢ મુલાકાત દરમિયાન ગિરનાર રોપવે યોજના તાત્કાલીક પુર્ણ થશે તેવી ખાત્રી આપી હતી.

તા.૭-૨-૨૦૧૧ના રોજ સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા ગિરનાર રોપવે યોજનાને સૈધ્ધાંતીક મંજુરી અપાઇ હતી.

તા.૧૯-૧૧-૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ ગિરનાર રોપવેના સ્થળની મુલાકાત લઇ રજૂઆતો સાંભળી હતી. ભારતની સુપ્રિમ કોર્ટે તા.૯-પ-૨૦૦૨ના રોજ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના કરી હતી. સુપ્રિમ કોર્ટે આપેલ નિર્દેશ મુજબ રીઝર્વ ફોરેસ્ટર વિસ્તારમાં કોઇ બાંધકામ કરવુ હોય તો સેન્ટ્રલ એમ્પાવર્ડ કમીટીની મંજુરી ફરજીયાત છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીમાં કુલ છ સભ્યો હતા. પી.વી. જયકૃષ્ણન - ચેરમેન, એમ.કે.જીવરાજકા - સભ્ય, મહેન્દ્ર વ્યાસ - સભ્ય, એમ.કે.મુથૂ - સભ્ય, એસ.કે.પટનાયક - સભ્ય, ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટર (હોદ્દાની રૂએ) નો સમાવેશ થયો હતો.

ઉપરોકત ૬ સભ્યો પૈકી ૩ સભ્યોએ તા.૧૯-૧૧-૨૦૧૧ના રોજ જૂનાગઢની મુલાકાત લીધી હતી અને પોતાની ખાનગી અહેવાલ આપ્યો હતો. રોપવે યોજના માટેની શરૂઆતનો ખર્ચ અંદાજીત ૯ કરોડ હતો અત્યારે રોપવે યોજના માટેનો અંદાજીત ખર્ચ ૧૩૦ કરોડ છે. ગિરનાર રોપવે યોજનાની ડીઝાઇન યુરોપીયન દેશ ઓસ્ટ્રિયામાં બની છે. એશિયાની સૌથી મોટી રોપવેની ડિઝાઇન ડોપલમાયર કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગિરનાર રોપવેની ડીઝાઇન સમગ્ર ભારતમાં અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલ ડીઝાઇન કરતા અલગ જ હશે. ડોપલમાયર કંપનીની વિશ્વના ૩૩ દેશોમાં બ્રાંચો છે. આ કંપનીનું વડુમથક લાનામાં છે.

ગુજરાત પ્રવાસન નિગમે ૧૯૮૫માં ગિરનાર  રોપ-વે શરૂ કરવા દરખાસ્ત કરી'તી

જૂનાગઢ તા.રર : ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે કે, ગિરનાર પર્વતમાળાનો વિસ્તાર અંદાજે ૨૦૦ ચો.કીમી છે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકામા આ પર્વતમાળા આવેલ છે. ગિરનાર પર્વતમાળાના ૨૦૦ ચો.કીમીનો વિસ્તારમાંથી ૧૭૯ ચો.કીમી વિસ્તારને ૧૯૮૦મા રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરેલ છે.

ગુજરાત પ્રવાસન નિગમે ૧૯૮૫ની સાલમાં ગિરનાર રોપવે શરૂ કરવાની દરખાસ્ત જૂનાગઢ કલેકટર મારફત કરી ૧૯૯૪માં ગુજરાત પ્રવાસન નિગમ તથા ઉષા બ્રોકે વચ્ચે આ બાબતે કરાર થયા હતા. દશ વર્ષની ચર્ચા પછી ફોરેસ્ટની ૯.૯૧ હેકટરની જમીન ગુજરાત પ્રવાસન નિગમને હવાલે કરવાનો નિર્ણય થયો કે જે ગિરનાર તળેટીથી અંબાજી સુધી રોપવે માટે ફાળવવામાં આવેલ છે. (ઓગષ્ટ ૧૯૯૪માં) અમુક ખાસ બાબતો...

૧) રોપવે માટે ૯૧,૧૩૨ ચો.મીની જરૂરિયાત સામે ૭૧,૨૯૭ ચો.મી જમીન ફાળવવામાં આવી છે.

ર) રોપવે દ્વારા એક કલાકમાં ૮૦૦ પેસેન્જરો લઇ જઇ શકાશે.

(11:34 am IST)