Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે : લંબાઇ ૨.૧૩ કિ.મી.

શનિવારે નરેન્દ્રભાઇના હસ્તે લોકાર્પણ : વિજયભાઇ રૂપાણી ખાસ હાજર રહેશેઃ લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન પહોંચતા ૭.૪૩ મિનીટ થશે : ૮ યાત્રિકો બેસી શકે તેવી ટ્રોલીની સુવિધા : સૌરાષ્ટ્રને મોટી સુવિધાનો લાભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.રર : એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેકટ ગિરનાર રોપ વેનું તા. ૨૪ના લોકાર્પણ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇ લોકાર્પણ કરશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લોકાર્પણ કાર્યક્રમ માટે જૂનાગઢ આવશે. ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના સભ્ય અને છેલ્લા પચીસ વર્ષથી ગિરનાર રોપવે માટે સતત પ્રયાસ કરી રહેલા ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ તા. ૨૪ ઓકટોબરના ગિરનાર રોપવેના લોકાર્પણ કાર્યક્રમને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરીને અભિનંદન પાઠવેલ છે.

ગિરનાર રોપવેની વિગતો આપતા પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે કે, તા.૧-પ-૨૦૨૦ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ રોપ-વે યોજનાનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ ત્યારે ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે ટ્રોલી લગાવવાની યોજના હતી પરંતુ નવી ટેકનોલોજી ઉપલબ્ધ થતા હવે ૮ પેસેન્જર વાળી રપ ટ્રોલી લગાડાશે. ટ્રોલીમાં માઇક્રોફોન, લાઉડસ્પીકર તથા હવાબારીની વ્યવસ્થા હશે. ધીમે ધીમે ટ્રોલીની સંખ્યા ૩૧ કરાશે. ૮ યાત્રિકો બેસી શકે તેવી ગ્લાસ ફલોરીંગ વાળી ટ્રોલી રપ એશિયાનો સૌથી લાંબો રોપવે - રોપવેની લંબાઇ ૨.૧૩ કીલોમીટર, ટ્રોલીની ઝડપ એક સેકન્ડમાં પાંચ મીટર, બે ટ્રોલી વચ્ચે ૩૬ સેકન્ડનું અંતર, એક ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા પછી ૨૧૬  મીટર આગળ જશે પછી બીજી ટ્રોલી રવાના થશે. એક કલાકમાં ૮૦૦ યાત્રિકોનું વહન, લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોચતા ૭.૪૩ મીનીટ, રોપવે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી મળશે. અંબાજી મંદિર પર વધુમાં વધુ ૧૮૦ કિલોમીટરની પવનની ઝડપ નોંધાઇ છે. ઝડપથી ફુંકાતા પવન વચ્ચે ટ્રોલીનુ બેલેન્સ જળવાઇ રહે તે માટે વજનદાર ટ્રોલી બનાવાઇ છે. રોપ વેના કુલ નવ ટાવર છે. જેની ઉંચાઇ ૭ થી ૮ માળના બિલ્ડીંગ જેટલી છે. રોપવેનું લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધીનું અંતર ૨૧૨૬.૪૦ મીટર છે. રોપવે થયા બાદ જૂનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વાર્ષિક ૪૦ લાખ જેટલો વધારો થશે.

અત્યારે જૂનાગઢમાં દર વર્ષે ૪૦ લાખ યાત્રિકો આવે છે જે સંખ્યા રોપ વે બન્યા બાદ બમણી એટલે કે ૮૦ લાખ થશે તેમ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવેલ છે. પ્રદિપભાઇ ખીમાણીએ રોપવે યોજનાની વિગત આપતા જણાવ્યુ છે કે પૂરા ભારતમાં રોપ વેની એક કેબીનમાં ૪ કે ૬ યાત્રિકો બેસી શકે તેવી કેબીનો ઘણા સ્થળે કાર્યરત છે પરંતુ એક કેબીનમાં ૮ યાત્રિકો બેસી શકે તેવા દેશનો આધુનીક ટેકનોલોજીવાળો એક માત્ર રોપવે ગિરનાર રોપવે હશે.

નવી મોનો કેબલ ટેકનોલોજીમાં રોપવેની ટ્રોલીઓની ડિઝાઇન પવનની ઝડપનો સામનો કરી શકે તેવી એરોડાઇનેમીક પ્રકારની હશે. ઓસ્ટ્રીયા અને ઇટલી જેવા દેશોમાંથી બે શીપમેન્ટ દ્વારા મશીનરી મંગાવવામાં આવી છે જેસીબી જેવા મહાકાય સાધનોને અંબાજી મંદિર સુધી પહોચાડી ગિરનાર રોપવે તૈયાર થઇ છે.

લોઅર અને અપર સ્ટેશન વચ્ચેનું અંતર ૨૧૨૬.૪૦ મીટર રહેશે. આ રોપવે દ્વારા દર કલાકે ૮૦૦ પેસેન્જરોનું પરિવહન કરી શકાશે. રોપ વે માટે Monocable Detachable Grip Type System નો ઉપયોગ કરવામાં આવશે. રોપવે પરની ટ્રોલી એક સેકન્ડમાં પ મીટરની ઝડપે ચાલશે અને લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોચવામાં તથા અપર સ્ટેશનથી લોઅર સ્ટેશન સુધી પહોચવામાં ૭.૨૮ મીનીટનો સમય લાગશે.

પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે, શરૂઆતમાં ચાર પેસેન્જરો બેસે તેવી ટ્રોલી ચલાવવાનો વિચાર થયો હતો પરંતુ ગિરનાર પર્વત પર પવનની ઝડપ (વીન્ડ વેલોસીટી) ખૂબ જ હોવાથી (એક કલાકના ૧૮૦ કીમી)ની ઝડપ હોવાથી ૮૦ યાત્રિકો બેસી શકે તેવી બસ કરતા પણ મોટી કેબીન બનાવવાનો વિચાર થયો હતો પરંતુ ફરીથી નવી ટેકનોલોજી ઉપલબ્ધ બનતા હવે ૮ પેસેન્જરો બેસે તેવી ટ્રોલી ડીઝાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનાર પર્વત કે જયા પવનની ઝડપ ખૂબ જ છે ત્યા રોપવેની ટ્રોલીનુ બેલેન્સ જાળવવા માટે અતિઆધુનીક ટેકનોલોજીનો ઉપયોગ થનાર હોવાનુ જાણવા મળ્યુ છે. રોપવેની કેબીનમાં માઇક્રોફોન, લાઉડ સ્પીકર વગેરે પણ હશે.

ગિરનાર રોપવે યોજનાનું લોઅર સ્ટેશન ગિરનાર તળેટીમાં રહેશે જયારે અપર સ્ટેશન અંબાજી મંદિર રહેશે. લોઅર સ્ટેશન જૂનાગઢથી ૩૪ કીમીના અંતરે છે. જયારે રેલ્વે સ્ટેશનથી લોઅર સ્ટેશનનું અંતર પ કિમીનું છે.

ગિરનાર રોપવેના કારણે દેશ વિદેશથી જૂનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વાર્ષિક ૪૦ લાખ યાત્રીકોનો વધારો થશે. આમ ગિરનાર રોપવે થવાથી માત્ર જૂનાગઢ કે સોરઠ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને ફાયદો થશે. રોજગારીની નવી અનેક તકો ઉભી થશે.

ગુજરાતમાં ત્રણ જગ્યાએ રોપ-વે : પાવાગઢ-અંબાજી-સાપુતારામાં સુવિધા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.રર : ગિરનાર પર્વત રોપવેની લંબાઇ ૨૧૨૬.૪૦ મીટર રહેશે. જે ભારતનો સૌથી લાંબી રોપ-વે હશે. અત્યારે ગુજરાતમાં ત્રણ જગ્યાએ રોપ-વે ચાલે છે. ૧) કાલીદેવી (પાવાગઢ) ૧૯૮૬માં શરૂ, ઉષા બ્રેકો દ્વારા લંબાઇ ૭૬૩ મીટર (ર) અંબાદેવી (અંબાજી) ૧૯૯૮માં શરૂ થઇ ઉષા બ્રેકો દ્વારા લંબાઇ ૩૬૩ મીટર (૩) પ્રાઇવેટ રોપવે સાપુતારામાં.

સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૨૪-પ-૧૯૯૫ના પત્ર ક્રમાંક વસપ-૧૯૯૦-૧૬૧૨(ર) સ.થી ગિરનાર રોપવે પ્રોજેકટની કામગીરી અટકાવી દેવાની સુચના આપવામાં આવેલ તે આદેશ સામાન્ય વહીવટી વિભાગના પત્ર ક્રમાંક પરચ-૧૦૨૦૦૨૧૪૧૫ (પ) અ. તા.ર-૩-૨૦૦૨ના રોજથી રદ કરી ગિરનાર રોપવેની કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવેલ છે.

ઉષા બ્રેકો કંપની દ્વારા પ જગ્યાએ રોપ-વેનું સંચાલન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.રર : ગિરનાર પર્વત રોપવે યોજનાની કામગીરી જે કંપનીને સોપાઇ છે તે ઉષા બ્રેકો લીમીટેડ ૧૯૬૯માં અસ્તિત્વમાં આવી છે જે એક સંયુકત સાહસ છે. જે ઉષા માર્ટીન લીમીટેડ (ભારત) તથા બ્રિટીશ રોપ-વે એન્જીનીયરીંગ કંપની (બ્રેકો) (યુનાઇટેડ કિન્ગડમ)નું સંયુકત સાહસ છે.

ઉષા બ્રેકો કંપની હાલમાં ભારતમાં પાંચ જગ્યાએ રોપવેનું સંચાલન કરે છે જે નીચે મુજબ છે.

(૧) મા મન્સાદેવી ઉડનખટોલા હરિદ્વાર, ઉતરાંચલ ૧૯૮૧ના વર્ષથી(ર) માં ચંડીદેવી ઉડનખટોલા હરિદ્વાર, ઉતરાંચલ ૧૯૯૭ના વર્ષથી

(૩) માં મહાકાલી ઉડનખટોલા પાવાગઢ, ઉતરાંચલ ૧૯૮૬ના વર્ષથી(૪) માં અંબાજી ઉડનખટોલા અંબાજી, ઉતરાંચલ ૧૯૯૮ના વર્ષથી(પ) માલમપૂઝા ઉડનખટોલા, માલામપૂઝા ગાર્ડન પાલઘાટ કેરલ, ૧૯૯૧ના વર્ષથી.ઉષા બ્રેકો દ્વારા દર વર્ષે અંદાજે ૬ મિલીયન એટલે કે ૬૦ લાખ પેસેન્જરોનું રોપવે દ્વારા પરિવહન કરવામાં આવે છે. એક એવો અંદાજ છે કે ઉષા બ્રેકો દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૬૬ મીલીયન જેવા કે ૬ કરોડ ૬૦ લાખ પેસેન્જરોનું પરિવહન કરવામાં આવ્યું છે.

ઉષા બ્રેકો પાસે આઇએસઓ ૯૦૦૧:૨૦૦૦નુ પ્રમાણપત્ર છે તથા આ કંપની ઓઆઇએએફ ( International Organization for Transport by Rope ) ની સભ્ય પણ છે. ઉષા બ્રેકો દ્વારા અત્યાર સુધીમાં ભારતમાં અને વિદેશમાં કુલ ૨૭ જેટલા રોપવે પ્રોજેકટ તૈયાર કરાયા છે. આમ ગિરનાર રોપવેનું સંચાલન કરતી આ કંપની ખૂબ જ અનુભવી છે અને આ ક્ષેત્રમાં સફળ થયેલ કંપની પણ છે. કંપની પાસે ૫૦ વર્ષનો રોપ-વે ઓપરેટીંગનો અનુભવ છે.

ગિરનાર રોપવે યોજનાના મૂળ ખર્ચનો અંદાજ રૂ. ૯ કરોડ હતો. હાલમાં આ રોપવે માટેનો ખર્ચનો અંદાજ રૂ. ૧૩૦ કરોડ છે. કારણ કે ખૂબ જ આધુનીક ટેકનોલોજીનો આ રોપવે યોજનામાં ઉપયોગ થઇ રહ્યો છે. રોપવે યોજના માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે.

(11:33 am IST)