Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ.લાલબાપુની ધર્મયાત્રાઃ એકતાનો સંદેશ પ્રસરાવ્યો

સિદસર ઉમિયા માતાજી મંદિરે ધ્વજારોહણ : વિજાપુર વિદ્યાસંકુલમાં બાળકોને વ્યસનમુકિતના : સંકલ્પો લેવડાવ્યા : ગીંગણેશ્વર મહાદેવ અને ગાયત્રી મંદિરે પૂજા કરી : નાગબાઈ માતાજીના મંદિરે નિવેદ, ધજા, ચૂંદડી અર્પણ : યાત્રામાં ૬૦૦ ભાવિકો જોડાયા

રાજકોટ : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ એવા ગધેથડ ગાયત્રી પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતના સથવારે અંદાજે ૬૦૦ જેટલા ભકતજનો સાથે ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ.

વહેલી સવારમાં પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગત સાથે હરીયાસણ ગામની ડુંગરની કંદરામાં બિરાજતા શ્રી ખોડીયાર માતાજીના મંદીરે પ્રસ્થાન કર્યું. ત્યાં પરમેશ્વરદાસજીબાપુ અને સમસ્ત ગામજનોએ પૂ. લાલબાપુ, પૂ.રાજુભગત, પૂ. દોલુભગત અને સાથે આવેલ સૌ ભકતજનોનુ સામૈયા કરી શાલ અને પૂષ્પહારથી સન્માન કરવામાં આવ્યુ. પૂ. લાલબાપુશ્રીએ ખોડીયાર માતાજીને ધજા-ચુંદડી ચડાવી આરતીનો લાભ લીધો. ત્યારબાદ પૂ. લાલબાપુએ ખોડીયાર માતાજી વિશે સૌ ભકતજનોને આશિષ પ્રવચન આપ્યુ અને સૌ મહાપ્રસાદ લઇ ત્યાંથી આગળ જવા નિકળ્યા.

શ્રી ઉમિયા માતાજીના મંદિર સિદસર ખાતે સમસ્ત ગ્રામજનો અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ચીમનભાઇ સાપરીયા, ભુપતભાઇ ભાયાણી, કૌશિકભાઇ રાબડીયા, નરસીહભાઇ માકડીયા, અમુભાઇ વૈષ્નાવી, શ્રી મલી, નીલેશભાઇ ગોધાણી તથા સમસ્ત ગ્રામજનોએ વાજતે ગાજતે સન્માન કરેલ.

પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતના હસ્તે ધ્વજાજીનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવવામાં આવ્યુ અને સોળસોપચાર પૂજન દ્વારા વાતાવરણ રંગમય બનાવી દીધુ અને પૂજય લાલબાપુએ માતાજીને ચુંદડી અર્પણ કરી અને સૌ ભકતજનોએ ધ્વજાજી સાથે મંદિરની પ્રદક્ષિણા કરી પૂજય દોલુભગતના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ સાથે સિદ્ધેશ્વર મહાદેવને પણ ધ્વજા ચડાવવામાં આવી.

પૂજય લાલબાપુએ ધર્મ સભામાં કડવા પાટીદાર સમાજની પ્રગતિ અને એકતા વિશે ભારોભાર પ્રસંસા કરી સાથે દરેક સમાજે એક સારા બાબતની નોંધ લેવા ખાસ જણાવેલ. મંદિરના ટ્રસ્ટીઓએ પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતનું શાલ અને પુષ્પહારથી સન્માન કરી ટ્રસ્ટીઓએ સન્માન સુમન અર્પણ કરેલ. બધા ભકતોએ ભોજન પ્રસાદ લઇ શ્રી વિજાપુર વિદ્યા સંકુલની મુલાકાત લીધી ત્યાં સંકુલ દર્શન કરી પૂજય લાલબાપુએ દરેક બાળકોને વ્યસન મુકત રહેવાના સંકલ્પ લેવડાવ્યા. ત્યાં પણ બધા ટ્રસ્ટીઓએ હૃદય પુષ્પથી સન્માન કરેલ. ત્યાંથી ગીંગણી ગામના ગીંગણેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિરે જઇ પૂજા અર્ચના કરવામાં આવી. ત્યા પણ પૂજય લાલબાપુએ ધર્મસભામા પ્રજાકલ્યાણ અર્થે સર્વે સમાજને ઉપયોગી બનવા દરેક ભકતજનોને અપીલ કરી. ત્યાંપણ સમસ્ત ગીંગણી ગામે પૂ, લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગત અને ભાવિક ભકતોનું ઉમળકાભેર સન્માન કર્યું.

ત્યાંથી બધા ભકતજનો પાટણ મુકામે જવા નિકળ્યા ત્યા શ્રી નાગબાઇ માતાજીના મંદીરે પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતને ઢાક દરબાર સાહેબશ્રી શિવરાજસિંહજી તથા રાજકુમાર શ્રી રાજદાદા દ્વારા પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતનું વાજતે ગાજતે ઉમળકાભેર સ્વાગત કર્યું. ત્યારબાદ નાગબાઇ માતાજીના સાનિધ્યમાં આરતી તથા માતાજીના નિવેદ, ધજા, ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી ધાર્મિક પ્રવચન આપેલ. ત્યાં ખ્યાતનામ સાહિત્ય કલાકાર શ્રી દેવરાજ ગઢવીએ માતાજીની સ્તુતિ અને છંદોની રમઝટ બોલાવી સૌ ભકતજનોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.

આશ્રમના સેવક રાજુભાઇ ગજેરા એ દરેક ભકતજનોને સાંજે ભોજનપ્રસાદ ભાવપૂર્વક લેવડાવ્યો અને ત્યા પણ ગજેરા પરીવાર દ્વારા પૂ. લાલબાપુ, પૂ. રાજુભગત, પૂ. દોલુભગતનું સન્માન કરવામાં આવ્યુ.

સમસ્ત કાર્યક્રમમાં પ્રવિણભાઇ માકડીયા, રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી કનકસિંહજી વાળા અને દરેક મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય ફાળવી આખો દિવસ પૂજય લાલબાપુ સાથે રહી આ ધર્મયાત્રાનો પ્રવાસ દિપાવ્યો હતો.

દરેક ભાવિક ભકતજનોને પૂજય લાલબાપુએ અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. આમ આખો દિવસ ભકિત ભાવના અને ભાવ સાથે સુખરૂપ પસાર થયો . ઉપર મુજબની માહિતી ગાયત્રી આશ્રમના સેવક શ્રી સુખદેવસિંહ વાળા દ્વારા આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)