Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જામનગરમાં ડેન્ગ્યુએ ૬ વર્ષની બાળકીનો ભોગ લીધો

જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૯૯ દર્દીઓ સારવારમાં: તંત્ર દ્વારા ઘરે-ઘરે સર્વેઃ દવા છંટકાવ

જામનગરમાં આરોગ્ય સર્વે કામગીરીઃ  જામનગરમાં તંત્ર દ્વારા ઘેર-ઘેર આરોગ્ય સર્વે  કામગીરી હાથ ધરવામાં આવી છે તે તસ્વીર. (તસ્વીરઃકિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા., ૨૨: શહેરમાં ડેન્ગ્યુના સારવારના કેસ વધતા જાય છે આજે ડેન્ગ્યુએ વધુ એક ૬ વર્ષની બાળકીનો ભોગ લીધો હતો.

જામનગરમાં ડેંગ્યુના રોગચાળો સમવાનું નામ નથી લઈ રહ્યો.જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના નવા ૯૯ દર્દીઓ ડેંગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. ગઈકાલે જી.જી.હોસ્પિટલમાં ૫૩ દર્દીઓને સારવાર આપી રજા આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિના નાટકો, ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છંટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.

જામનગરમાં ડેંગ્યુના રોગચાળામાં લોકોને જાગૃત કરવા શેરી મહોલ્લાઓમાં ઘેર-ઘેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જઈ રહ્યા છે અને આરોગ્યની ટીમ દ્વારા ડેંગ્યુના રોગચાળામાં સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

(12:57 pm IST)