Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ખીજડીયા અભ્યારણમાં પક્ષીઓ મહેમાન બન્યા

જામનગર : આ વર્ષે ચોમાસું લાંબુ ચાલતા જળાશયો અને નદીનાળા હજુ પણ  છલકાય રહ્યા છે. જેની સીધી અસર પક્ષીઓના આવાગમન અને નેસ્ટીંગ પર જોવા મળી રહી છે. સારા વરસાદમાં જામનગરની ભાગોળે આવેલુ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કે જે બે વિભાગમાં વહેચાયેલુ છે. તેના બંને વિભાગો વરસાદી મીઠા પાણીથી સચરાચર ભરાયા છે જેના પરિણામે ત્રણેક વર્ષથી પાણીની અછત ભોગવતુ પક્ષી અભ્યારણ્ય આ વર્ષે હજુ પણ છલકાઇ રહ્યુ છે. હજુ સુધી પાણીની આવક શરૂ રહેતા પક્ષીઓના નેસ્ટીંગ પર માઠી અસર જોવા મળી છે પરંતુ આ વર્ષે અહી દેશ વિદેશના પક્ષીઓ માટે શિયાળો ખૂબ સારો રહેવાની શકયતા હોવાનુ અને પક્ષીઓ એપ્રિલ ૨૦૨૦ સુધી જોવા મળી શકે તેવી આશા ઇન્ચાર્જ આરએફઓ દક્ષાબેન વઘાસિયા જણાવી રહ્યા છે. ૩૦૦ થી વધુ પ્રજાતિના દેશ વિદેશના પક્ષીઓનું સ્વર્ગ ગણાતું આ પક્ષી અભ્યારણ્ય વિશ્વના નકશા પર અંકીત છે. નવે.માં પ્રાકૃતિક શિક્ષણ શિબિરો અને સતત પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓથી ધમધમતા રહેતા આ અભ્યારણ્યમાં વહીવટીતંત્ર દ્વારા પાર્ટ ૧માં સાયકલની પણ સગવડ શરૂ કરાય છે જયારે પાર્ટ - ર માં વાહન દ્વારા જઇ શકાય છે. વોચ ટાવર, બાઇનોકુયુલર, ગાઇડ અને ઇન્ટરપ્રીટેશનની સુવિધા અને શિબિરમાં આવતા વિદ્યાર્થીઓને રહેવા માટેના ડોમની સુવિધા પણ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યની ખાસ વિશેષતા એવી મોટી ચોટલી ડુબકી તથા સ્ટોર્કની ૩ જેટલી પ્રજાતિ પણ આકર્ષણ રૂપ બની રહે છે તરતા જમીન પરના માળાઓ અને લોકલ પક્ષીઓની મોટી વસાહત પણ આ અભ્યારણ્યને ચહેકતુ રાખે છે તો શિયાળાના મહેમાન એવા પેલીકન,કુંજ સહિતના પક્ષીઓનો સમુહ પણ અહિ જોવા મળતો રહે છે. ચાતક અને બીજા અનેક પક્ષીઓ અહી નજીકથી જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય તા.૧૬ ઓકટો.થી શરૂ થયેલ છે.(તસ્વીર : વિશ્વાસ ઠકકકર)

(12:55 pm IST)