Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

છોકરીને ભગાડવામાં મદદ કર્યાની શંકાએ નવાગામમાં કડીયા પરિવાર પર રબારી શખ્સોનો હુમલોઃ પાંચ ઘવાયા

રબારી પરિવારની દિકરીને કડીયા યુવાને ભગાડી કોર્ટ મેરેજ કરી લેતાં મનદુઃખ : કડીવા વૃધ્ધ વિનુભાઇ સોલંકી, પુત્રો હિરેન, ધર્મેશ, ભત્રીજા પરેશને ઇજાઃ પત્નિ ચંપાબેનનો હાથ ભાંગી ગયોઃ રબારી શખ્સો પરેશ, નરેન્દ્ર, અરવિંદ, કના, મયુર ઉર્ફ ગુણો અને મે: પાઇપ-લાકડીથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૨: નવાગામ આણંદપર-૨માં રહેતાં કડીયા વૃધ્ધ, તેમના પત્નિ, બે પુત્રો અને ભત્રીજા પર ગામના જ છ રબારી શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી ઘાયલ કરતાં તમામને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં કડીયા વૃધ્ધના પત્નિનો હાથ ભાંગી ગયો છે. એક કડીયા યુવાને દોઢેક મહિના પહેલા રબારી પરિવારની દિકરીને ભગાડી લવમેરેજ કરી લીધા હોઇ તેમાં આ કડીયા પરિવારે મદદ કર્યાની શંકા કરી હુમલો કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

આણંદપરમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં વિનુભાઇ છગનભાઇ સોલંકી (ઉ.૬૦) નામના કડીયા વૃધ્ધ રાતે ઘર નજીક બસ સ્ટેશન પાસે હતાં ત્યારે  ત્યારે ગામના જ રબારી શખ્સો પરેશ છગનભાઇ  કલોતરા, નરેન્દ્ર નાગરભાઇ, અરવિંદ કનાભાઇ, કના રણછોડભાઇ, મયુર ઉર્ફ ગુણો કનાભાઇ અને મે: ભીમાભાઇએ લાકડી-પાઇપ સાથે ધસી આવી હુમલો કરતાં દેકારો થતાં કોઇએ જાણ કરતાં વિનુભાઇના પત્નિ ચંપાબેન સોલંકી (ઉ.૫૫), બે પુત્રો હિરેન સોલંકી (ઉ.૩૦), ધર્મેશ સોલંકી (ઉ.૩૫) અને ભત્રીજો પરેશ પોપટભાઇ સોલંકી (ઉ.૪૦) બચાવવા દોડી આવતાં આ તમામને પણ ગાળો દઇ ઢીકા-પાટુ અને ધોકા-પાઇપનો માર મારવામાં આવ્યો હતો.

ઘાયલ થયેલા આ તમામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં કુવાડવા પી.આઇ. એમ.આર. પરમાર, હિતેષભાઇ ગઢવી સહિતના હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને વિનુભાઇ સોલંકીની ફરિયાદ પરથી છ હુમલાખોરો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. વિનુભાઇના પત્નિ ચંપાબેનનો ડાબો હાથ ભાંગી ગયો છે.

હુમલાના કારણ અંગે વિનુભાઇએ જણાવ્યું હતું કે ગામનો કડીયા પરિવારનો છોકરો દર્શન દામભાઇ સોલંકી દોઢેક મહિના પહેલા રબારી પરિવારની દિકરીને ભગાડી ગયો છે અને બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે. એ છોકરા સાથે અમારે કંઇ લેવા દેવા ન હોવા છતાં અમે તેને લવમેરેજમાં મદદ કર્યાની શંકા કરી અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. વિનુભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કડીયા પરિવારના કોઇપણ લોકો હોઇ તેની સાથે આ શખ્સો ઝઘડા કર્યા રાખે છે.

(11:44 am IST)