Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વાંકાનેરમાં રાજપુત સમાજ દ્વારા શોભાયાત્રા

વાંકાનેરઃ રાજપુત સમાજ દ્વારા વિજયાદશમીના પાવનદિને શોભાયાત્રા-શસ્ત્રપૂજન સહીતના કાર્યક્રમો યોજાયા હતા. ગરાસીયા બોર્ડીંગ ખાતેથી વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાનીમાં શોભાયાત્રા નિકળેલ જેમાં વાંકાનેર રાજપૂત સમાજના પ્રમુખ વજુભા ઝાલા સહીત શહેર અને તાલુકાભરમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો અને બાળકો રાજપૂત પોષાક પહેરી, પુજન માટેના શસ્ત્રો અને સાફા બાંધી શોભાયાત્રામાં જોડાયા હતા. બેન્ડવાજાની સુરાવલી સાથે અશ્વો અને વાહનો સાથેની આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી દિગ્વીજયનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ સ્ટેજ ખાતે પહોંચી હતી. જયાં પરંપરાગત યુવરાજશ્રીએ ખીજડા પુજન બાદ ઉપસ્થિત ક્ષત્રિય સમાજના સર્વેએ સમુહશસ્ત્ર પૂજન કરેલ. આ વેળાએ વાંકાનેરના મહારાણારાજ દિગ્વીજયસિંહજી ઝાલા તથા રાજકોટ-મોરબીથી પધારેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રપૂજન બાદ રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવેલ.  રાજપૂત કન્યા છાત્રાલયની બહેનોએ તલવાર રાસ રજુ કરેલ. શોભાયાત્રા નીકળી તે તસ્વીર. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(12:28 pm IST)