Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરકારે સરદાર પટેલના સન્માન માટે યથોચિત કાર્ય કર્યુ છે

બોટાદ જિલ્લામા પાટી ખાતેથી એકતા રથયાત્રાનો સૌરભભાઇના હસ્તે પ્રારંભ

બોટાદ જિલ્લાના પાટી ખાતેથી દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા યાત્રાનો ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

એકતા રથનો શુભારંભ કરાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, અખંડ ભારતની આગવી વૈશ્વીક ઓળખ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા રાજય સરકારે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન જળવાય તે માટેનું યથોચિત કાર્ય કર્યું છે.

તેમણે જણાવ્યું હતુ કે, નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક સાધુ બેટ ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સરદાર પટેલની આ વિશાળ પ્રતિમાથી દેશના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.

મંત્રીશ્રીએ વિશ્વમાં એકતા – અખંડિતતાનો સંદેશ આપવાની સાથે એક ભારત – શ્રેષ્ઠ ભારતના મંત્રની પ્રતીતિ કરાવતા આ સ્થળની આસપાસના વિસ્તારમાં ટેન્ટ સીટી, વિવિધ રાજયોના અતિથિ ભવનો, દેશ – વિદેશના ફૂલોથી શોભતી નયનરમ્ય ફલાવર વેલી, સરદારની જીવન ગાથાને આલેખતું મ્યુઝિયમ, ફૂડ પાર્ક - વોટર પાર્ક સહિતના અનેકવિધ આકર્ષણ સ્થળોના પરિણામે આ વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનશે, તેમ જણાવ્યું હતુ.  

 આ પ્રસંગે અગ્રણીશ્રી સુરેશભાઈ ગોધાણીએ પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકતાના શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ લીલી ઝંડી ફરકાવી એકતા રથને પ્રસ્થાન કરાવ્યું હતુ.

પાટી ખાતેથી મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ આ એકતા યાત્રા પ્રથમ દિવસ દરમિયાન સાંગાવદર, ઝીંઝાવદર, રોહીશાળા, ચકમપર, રતનવાવ, કેરીયા – ૨, ઝમરાળા, લાખેણી અને ઢીંકવાળી ગામોમાં ફરી હતી. 

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોકયુમેન્ટરી ફિલ્મ શો – સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનથી લોકોને માહિતગાર કરવા તેમના જીવન – કાર્યોને આલેખતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર, અગ્રણીઓ સર્વશ્રી પોપટભાઈ અવૈયા, છનાભાઈ કેરાલીયા, મનહરભાઈ માતરીયા, લાભુભાઈ પાટી, માધવજીભાઈ ભૂંગાણી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.(૨૨.૨)  

(11:55 am IST)