Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મુંદરા પોર્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સકાંડની દેશના 8 શહેરોમાં તપાસ:ચાર અફઘાનિસ્તાની સહીત આઠ લોકોની ધરપકડ

દિલ્હીમાં એક ગોડાઉનની તપાસ દરમિયાન ૧૬.૧ કિલોગ્રામ હેરોઈન મળ્યું

ભુજઃ મુંદરા પોર્ટમાંથી ૨૧ હજાર કરોડની કિંમતના જપ્ત થયેલાં ૩ ટન અફઘાની હેરોઈનના મામલે DRIએ કચ્છના ગાંધીધામ અને માંડવી સહિત દેશના ૮ શહેરોમાં સઘન તપાસ હાથ ધરી છે. તપાસમાં DRIએ ચાર અફઘાનિસ્તાની, એક ઉઝબેકિસ્તાની અને અન્ય ત્રણ ભારતીય મળી આઠ જણની ધરપકડ કરી છે. એટલું જ નહીં, દિલ્હીમાં એક ગોડાઉનની તપાસ દરમિયાન ૧૬.૧ કિલોગ્રામ હેરોઈન મળ્યું છે.

નોઈડા (યુપી)માં એક રહેણાંક મકાનમાંથી ૧૦.૨ કિલોગ્રામ શંકાસ્પદ પાઉડર તેમજ ૧૧ કિલોગ્રામ હેરોઈનના ઘટકોવાળો પદાર્થ મળી આવ્યો છે. દેશના નાણાં મંત્રાલયે આજે આ અંગે એક સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરી જણાવ્યું છે કે જ્યાં તપાસ કરાઈ છે તે શહેરોમાં દિલ્હી, નોઈડા ઉપરાંત ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ અને વિજયવાડાનો પણ સમાવેશ થાય છે.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશી ટ્રેડિંગના નામે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની પેઢી શરૂ કરનાર ચેન્નાઈના દંપતીની હાલ ગહન પૂછતાછ ચાલી રહી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ૪૫ વર્ષિય સુધાકર મચવરમ્ અમિત નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. આ અમિત અફઘાનિસ્તાનના કંદહારની જે પેઢીએ હેરોઈન લોડ કર્યું હતું તે હસન હુસેન લિમિટેડના હસન હુસેનનો ખાસ સાગરીત મનાય છે. અમિત મારફતે સુધાકર હસનના સીધા સંપર્કમાં આવ્યો હતો. જો કે, એજન્સીને અમિતની હજુ પૂરેપૂરી કરમકુંડળી મળી નથી

 . અમિતની સૂચના મુજબ સુધાકરે જૂલાઈમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનની આડમાં મુંદરા બંદરે માલ મગાવ્યો હતો. જેમાં ૭૦ હજાર કરોડનું હેરોઈન હોવાનું મનાય છે. આ ગેંગનું કામ કુલદીપસિંહ નામનો કસ્ટમ હાઉસ એજન્ટ કરી આપતો હતો. કુલદીપસિંહ અમિતનો ખાસ માણસ ગણાય છે. સુધાકરે ગત વર્ષે આશી ટ્રેડિંગ કંપની શરૂ કરી તે પહેલાં તે નાનાં-મોટા ધંધામાં હાથ અજમાવી ચૂક્યો હતો. પરંતુ તેને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ તે બિલ્ડીંગ મટિરીયલ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ સાથે સંકળાયેલી પેઢીઓમાં મેનેજર તરીકે નોકરી લાગ્યો હતો.

 દરમિયાન, કોંગ્રેસે સતત બીજા દિવસે પણ હેરોઈન મામલે મોદી સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી આ મામલે સરકારને ગંભીર સવાલો પૂછ્યાં હતા.

(10:54 pm IST)