Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જખૌના ખીદરત ટાપુ પાસેથી મળેલ DNT વિસ્ફોટકનો રાજકોટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે બ્લાસ્ટ કરી નાશ કર્યો

DNTનો ઉપયોગ કોમર્સિયલ અને મિલિટરી બ્લાસ્ટીંગ માટે થતો હોય છે

જખૌના ખીદરત ટાપુ નજીક તણાઈ આવેલાં વિસ્ફોટકનો રાજકોટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે સ્થળ પર બ્લાસ્ટ કરી નાશ કરી નાખ્યો છે. બપોરે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓની હાજરીમાં સ્ટીલના નળાકાર પાઈપમાં રહેલાં વિસ્ફોટકનો નાશ કરાયો હતો. ડૉગ સ્ક્વૉડના શ્વાને તેમાં વિસ્ફોટક હોવાનું કન્ફર્મ કર્યું હતું.

નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવે જણાવ્યું કે ‘પ્રાથમિક તપાસમાં ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોએ આ વિસ્ફોટક DNT હોવાનું જણાવ્યું છે’ સામાન્યતઃ DNTનો ઉપયોગ કોમર્સિયલ અને મિલિટરી બ્લાસ્ટીંગ માટે થતો હોય છે. સ્થળ પરથી એક ખાલી એમ્યુનિશન બોક્સ પણ મળી આવ્યું છે. આ બોક્સ પોઈન્ટ ૫૦ કેલિબરની ગનના કાર્ટ્રિજ અને અંધારામાં નિશાન તાકવા માટે અજવાળું કરવા માટે વપરાતાં ટ્રેસર એમ્યુનિશનનું હોવાનું જણાય છે. અલબત્ત, આ અંગે સત્તાવાર રીતે કશો જ ખુલાસો કરાયો નથી. એફએસએલમાં વિસ્ફોટકના સેમ્પલના પૃથક્કરણના આધારે વધુ વિગત સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું છે.

(9:58 pm IST)