Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વહેલી સવારથી ઇન્કમટેક્સના સર્ચ સર્વેથી અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ

મોરબીના મોટા એવા ગ્રુપ ઉપર ત્રાટકતુ ઇન્કમટેક્સ, સર્ચ, સર્વે, ક્રોસ તપાસ.

હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા સગાવ્હાલાને ત્યાં તપાસનો રેલો મોરબી સુધી લંબાયો

મોરબી : મોરબીમાં સીરામીક ક્ષેત્રે મોટી નામના ધરાવતા મોટા માથાને ત્યાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે સર્ચ સર્વે અને ક્રોસ તપાસ શરૂ કરતા સનસનાટી મચી જવા પામી છે.
સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મોટા માથા એવા મોટા સીરામીક ગ્રુપ ઉપર આજે સવારથી આયકર વિભાગની ટિમો દ્વારા સર્ચ,સર્વે અને ક્રોસ તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં આ મોટા ગ્રુપ સાથે અગાઉ એક મોટાગજાના હીરાના વ્યાપારી જોડાયેલા હતા અને આ હીરાના વેપારી મોટા ગજાની કંપનીના વેવાઈ વેલા પણ હોય ઇન્કમટેક્સ દ્વારા હીરાના વેપારીને ત્યાં કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી બાદ તપાસનો રેલો મોરબી સુધી પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીના આ મોટા જૂથ ઉપર જ્યાં સર્ચ, સર્વે અને ક્રોસ તપાસ ચાલી રહી છે એ ગ્રુપ દ્વારા ડોમેસ્ટિક સીરામીક વેપારની સાથે સાથે એક્સપોર્ટમાં પણ મોટા પ્રમાણમાં કામ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

(2:26 pm IST)