Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ' સંદર્ભે કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત કાવ્ય પઠન અને ગીત સ્પર્ધાનું આયોજન

જુનાગઢ, તા., ૨૨: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા કાવ્ય પઠન અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદી દ્રારા આ કાર્યક્રમને ખુલ્લો મુકતા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના માધ્યમથી સ્વાતંત્ર્ય લડતમાં એક નવા પ્રાણ ફૂંકયા હતા. લોકસાહિત્યના માધ્યમથી સમાજના છેવાડાના માનવીના હૃદયમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું  હોવાનું જણાવ્યું હતું. અંતમાં કુલપતિશ્રીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્ર સાથેના રહેલા લગાવની પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રહેલ યુનિવર્સિટીના સરકાર નિયુકત એકઝીકયુટીવ કાઉન્સિલના સભ્ય  પ્રો.જીવાભાઈ વાળા  દ્રારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નિર્ણાયકો તરીકે લોકગાયક  જીતુદાનભાઈ ગઢવી, કલેકટરના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ મામલતદાર સિધ્ધાર્થ ત્રિવેદી, યુવા અને રમત ગમત વિભાગના પ્રતિનિધિ  હિતેશભાઈ દિહોરા તથા ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને યુનિવર્સીટીના સાંસ્કૃતિક વિભાગના વડા ડો. વિશાલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કોલેજોમાંથી કોલેજના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતા (૧)પરમાર તૃપ્તિ (૨)સોલંકી રોશની (૩) લઘા સરવણને અનુક્રમે રૂ.૨૧૦૦, ૧૫૦૦ અને ૧૦૦૦ નું ઇનામ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કો-ઓર્ડીનેટર ડો.રૂપાબેન ડાંગર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી તથા કાર્યક્રમનું સંચાલન ડો.રમેશભાઈ ચૌહાણે કર્યું હતું.

(12:56 pm IST)