Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગાદોઇ ટોલ પ્લાઝા એ વીસ કિલોમીટર ત્રિજ્યાના વાહન ચાલકોને કયારે રાહત મળશે

કિશોદ વેપારી મહામંડળ દ્વારા ધરણાં કરી આંદોલન કરવામાં આવતાં અપાયેલી ખાત્રી પોકળ પુરવાર થઇ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. રર : કેશોદ શહેર નજીક પસાર થતાં જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફોરલેન રોડ પર ગાદોઈ નજીક આવેલાં ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેકસ લેવામાં આવી રહ્યો છે ત્યારે ટોલ પ્લાઝાની વીસ કિલોમીટર ત્રિજ્યામાં આવતાં વાહનચાલકો ને લોકલ ગણીને ટોલ ટેકસમાં રાહત માફી આપવાની જોગવાઈ કરવામાં આવીછે જે મુદ્દે કેશોદ વેપારી મહામંડળ દ્વારા લેખિતમાં રજૂઆત કર્યા બાદ ધરણાં સુત્રોચ્ચાર નો કાર્યક્રમ યોજેલો હતો. સતાધારી પક્ષના હોદ્દેદારો આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકાર માં રજુઆત કરી હકારાત્મક ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી જે લાંબો સમય વિતી જવા છતાં ગાદોઈ ટોલ પ્લાઝાની વીસ કિલોમીટર ત્રિજ્યા નાં વાહનચાલકોને કોઈ પ્રકારની રાહત માફી આપવાની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં આપવામાં આવેલ ખાત્રી પોકળ પુરવાર થઈ છે.

જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફોરલેન રોડ પર જુનાગઢ બાયપાસ નું કામ ચાલું છે, ઓઝત નદી પર પુલ બનાવવાનું કામ ચાલુ છે અને માણેકવાડા પાસે પુલ બનાવવાનું કામ ચાલુ છે છતાં પુરેપુરો ટોલ ટેકસ લેવામાં આવે છે. ગોંડલ, જેતપુર અને ઉપલેટા નજીક આવેલાં ટોલ પ્લાઝા એ વીસ કિલોમીટર ત્રિજ્યા નાં વાહનચાલકોને લોકલ ગણીને ટોલ ટેકસમાં રાહત માફી આપવામાં આવે છે અને તમામ ટોલ પ્લાઝા પોરબંદર સંસદીય મતવિસ્તારમાં આવે છે ત્યારે કેશોદ પાસે આવેલા ગાદોઈ ટોલ પ્લાઝાએ જ શા માટે વીસ કિલોમીટર ત્રિજ્યાનાં વાહનચાલકો ને લોકલ ગણવામાં આવતા નથી?.

 કેશોદ પથંકમાં વસવાટ કરતાં વાહનચાલકો ઘરનું વાહન હોવાં છતાં ટોલ પ્લાઝા એ અસહ્ય ટોલ ટેક્ષ ભરવો પડતો હોય સોના કરતાં ઘડામણ વધી જતું હોય હડદોલા ખાતાં ખાતાં પેસેન્જર વાહનમાં મુસાફરી કરી રહ્યા છે. પ્રજા પીસાઈ રહી છે તો પણ તંત્રનું પેટનું પાણી હાલતું નથી.

આગામી દિવસોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ પાસે આવેલા ગાદોઈ ટોલ પ્લાઝાની વીસ કિલોમીટર ત્રિજ્યાનાં વાહન ચાલકોને લોકલ ગણવામાં આવે એવી માંગ સાથે ચુંટણીનો મહત્વનો મુદ્દો બને તો નવાઈ નહીં.

(12:55 pm IST)