Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પં.દીનદયાળજી આપણી વચ્ચે સદેહે ભલે ન હોય પણ તેમના વિચારો આજેે પણ જીવંત છે

સહેજ દુબળો બાંધો, સ્મિતવાન ચહેરો, દ્રષ્ટિમાં નિર્વ્યાજ સરળતા, ધોતી, ઝભ્ભાનું સાદુ વસ્ત્ર પરિધાન અને આત્મીયતાથી વાતાવરણ છલકતું કરતી પ્રતિભાશાળી વિશેષતાઓ અને ભારતીય રાજનીતિમાં નવોન્મેષ દાખવે એવા અજાતશત્રુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ૧૯૬૭ માં ડિસેમ્બર (૨૯,૩૦,૩૧) કેરળના કાલિકટ ખાતે જનસંઘના ૧૪ માં યાદગાર અધિવેશનમાં એક કલાક સુધી ચાલેલા અસ્ખલિત વાણીમાં નવનિયુકત અધ્યક્ષીય પ્રવચનમાં અભિભૂત થનાર ઉપસ્થિત કાર્યકર્તા સહિત વિશ્વના અનેક દેશોમાં નોંધ લેવાઈ હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ સંવત ૧૯૭૩ના ભાદરવા વદી ૧૩ એટલે કે ૨૫ મી સપ્ટેમ્બર ૧૯૧૬ના દિવસે થયો હતો. એમના નાના (માતાના પિતા) પંડિત ચુનીલાલ શુકલ જયપુર-અજમેર રેલ્વે પર આવેલ ધનકિયા ગામે સ્ટેશન માસ્તર હતા. પંડિત દીનદયાળનો જન્મ આ ધનકિયા ગામે નાનાને ઘરે થયો. એમના પિતાશ્રી ભગવતીપ્રસાદ ઉપાધ્યાય ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલ ફર્રહા ગામ પાસેના જલેસર રોડ સ્ટેશનના સ્ટેશન માસ્તર હતા. એમના પિતામહ પંડિત હરિરામ શાસ્ત્રી એમના સમયના એક ખૂબ પ્રસિદ્ઘ વિદ્વાન જયોતિષશાસ્ત્રી ગણાતા હતા.

પંડિત દીનદયાળે બચપણમાં જ, માત્ર સાત વર્ષની વયે માતાપિતાનું સુખ ગુમાવ્યું હતું અને એમનું ભરણપોષણ તથા ઉછેર એમના મામા શ્રી રાધારમણ શુકલને ત્યાં થયાં. આમ, એમને બચપણથી જ મુસીબતો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શરૂઆત થઈ ગઈ હતી.  ભણતરનાં સોપાન એક પછી એક સફળતાપૂર્વક સર કરતા ગયા અને જયારે એમણે અજમેર બોર્ડની મેટ્રિકની પરીક્ષા સીકરની કલ્યાણ હાઈસ્કૂલમાંથી પસાર કરી ત્યારે એમને સુવર્ણચંદ્રક મળ્યો. આખા બોર્ડમાં તે સર્વપ્રથમ આવ્યા હતા. પછી તો આ જ ક્રમ ચાલતો રહ્યો. બે વર્ષ પછી જયારે એમણે પિલાની (રાજસ્થાન) થી ઈન્ટરની પરીક્ષા પસાર કરી ત્યારે એમાંય તે પ્રથમ શ્રેણીમાં હતા. કાનપુરની સનાતન ધર્મ કોલેજમાંથી બી.એ.ની પરીક્ષા પણ એમણે પ્રથમ શ્રેણીમાં જ ઉતીર્ણ કરી.

આ જ અરસામાં કાનપુરમાં (સને ૧૯૩૭) એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. ઉત્તરપ્રદેશમાં સંઘ કાર્યનો પાયો નાખનાર શ્રી ભાઉરાવ દેવરસ સાથેનો પરિચય એમને માટે રાષ્ટ્રસમર્પિત જીવન જીવવાનું વ્રત સ્વીકારવાની મહામંગળ ઘડી બની ગઈ. બુદ્ઘિને લક્ષ્ય સાંપડ્યું અને એમની શકિતઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં વધુ ને વધુ ખૂંપતી ગઈ.

બી.એ.ની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કરવા માટે આગરાની સેન્ટ જોન કોલેજમાં દાખલ થયા. પ્રથમ વર્ષમાં ઉતીર્ણ થયા પરંતુ બીજા વર્ષની પરીક્ષા એમના બહેનની ખરાબ તબિયતને કારણે આપી ન શકયા.

૧૯૪૨ માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે લખીમપુર જિલ્લામાં નિયુકત થયા. ત્રણ વર્ષના કાર્યગાળામાં તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્તરપ્રદેશના સહપ્રાન્તપ્રચારક બની ગયા. સને ૧૯૫૧ માં જનસંઘની સ્થાપના થઈ ત્યાં સુધી તેઓ એ જ ક્ષેત્રમાં સહપ્રાન્તપ્રચારક તરીકેની જવાબદારી સંભાળતા રહ્યા. આ સમય દરમિયાન પંડિત દીનદયાળજીએ સંઘશાખાઓ વિસ્તારવાનું સંગઠન કાર્ય કર્યું, અને જયારે સંઘ પર પ્રતિબંધ આવ્યો (૧૯૪૮-૪૯) ત્યારે એ વચગાળાના સમયમાં એમણે સમાચારપત્ર તથા પુસ્તક પ્રકાશન અંગેનું સાહિત્યિક કાર્ય પણ સફળતા પૂર્વક કર્યું. આ સમયે જ તેમણે બાળકો માટે સમ્રાટ ચંદ્રગુપ્ત અને તરુણો માટે જગદ્ગુરુ શંકરાચાર્ય પુસ્તક લખ્યાં. એમણે લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશન લિમિટેડ નામની સંસ્થા પણ આ અરસામાં જ સ્થાપી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ૨૧ મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના દિવસે લખનઉમાં એક પ્રાદેશિક સંમેલન યોજીને પ્રદેશ જનસંઘની સ્થાપના કરી. બરાબર એક માસ પછી, ૨૧મી ઓકટોબર, ૧૯૫૧ના દિવસે દિલ્હીમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીનાં નેતૃત્વ તળે અખિલ ભારતીય જનસંઘની પણ સ્થાપના થઈ. સને ૧૯પરમાં જનસંઘનું પ્રથમ અખિલ ભારતીય અધિવેશન કાનપુરમાં ભરવામાં આવ્યું.

પંડિત દીનદયાળની સંગઠન કુશળતાને લીધે આ પહેલું અધિવેશન અત્યંત સફળ નીવડ્યું. આ અધિવેશનમાં જ પંડિત દીનદયાળને અખિલ ભારતીય મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું. એમણે આ પદ જનસંઘના કાલિકટમાં ભરાયેલા ૧૪મા ઐતિહાસિક અધિવેશન સુધી નિષ્ઠાપૂર્વક સંભાળ્યું. કાનપુરથી કાલિકટ સુધીનાં અધિવેશન દરમિયાન જનસંદ્યના અધ્યક્ષપદે ડો. શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય દેવપ્રસાદ ઘોષ, આચાર્ય રઘુવીર જેવા અખિલ ભારતીય વિદ્વાનો બિરાજયા; પરંતુ કમનસીબે તેઓ ખૂબ ટૂંકા સમયમાં જ છીનવાઈ ગયાં.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય જ એક એવી વ્યકિત હતા, જે આ અવકાશના સમયે આશા અને વિશ્વાસની દીવાદાંડી બનીને માર્ગદર્શનની જવાબદારી નિભાવતા હતા. કાશ્મીરની ચળવળ હોય કે ખેડૂતોનો કે મજૂરોનો મોરચો હોય, પંચવર્ષીય યોજના હોય કે કોઈ સામાજિક ગૂંચવણ, બધી જગાએ બધાં કાર્યોમાં પંડિત દીનદયાળ દેશને માર્ગદર્શન આપતા રહ્યા.

આજે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ધ્યાનમાં આવે છે કે જાણે દીનદયાળજી સદેહે ભલેના હોય પણ દીનદયાળનો વિચાર મર્યો નથી. જયારે ચૂપચાપ કોઈ અપેક્ષા વિના જમીન પર કામ કર્યા કરતા કાર્યકર્તાને અચાનક મુખ્યમંત્રી બનવાનો કાળ આવે છે ત્યારે જાણે કાર્યકર્તાના સન્માનની દીનદયાળી માનસિકતા ધરાવતી પાર્ટીમાં લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ થાય છે.

દીનદયાલજીનું સ્વપ્ન હતું કે જયાં સુધી દેશમાં છેવાડાના ગામડાઓમાં રહેતા અંતિમ પંકિતના ગરીબ માણસની સ્થિતિ ખરાબ હોય ત્યાં સુધી ભારતનું ભલુ નહી થાય. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીનદયાળજીના આ સ્વપ્નને સાકાર કરવા ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેકશન, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પરિવારજનોને વિનામૂલ્યે અનાજ વિતરણ, ગરીબો માટે આવાસ યોજના, ઘેર ઘેર નળથી જળ, શૌચાલય, વિજળી રસ્તા જેવા અનેક વિધ યથાર્થ પ્રયત્નો થઈ રહ્યા છે.

મુખ્યમંત્રી સહિત આખેઆખું પ્રધાનમંડળ બદલી નાંખવાની હિમ્મત જે પાર્ટી કરી શકે અને એ પણ એક નાના ખૂણેથીયે બગાવતની બૂ વિના... ત્યારે એનો સંપૂર્ણ શ્રેય પાર્ટીના અનુશાસનને પોતાના સમર્પણથી સિંચનારા એકથી વધુ દીનદયાળોને જ જાય.

-: આલેખન :-

ચંદ્રશેખર દવે

સુરેન્દ્રનગરઃ મો.૯૮૨૫૨ ૮૫૩૧૦

જુનાગઢ ભાજપ પ્રભારી

(11:50 am IST)