Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વડા પ્રધાનશ્રીના ભારતની ખેતીની ખરી ક્ષમતા પારખવાના વિઝનને આવકારતા મનીષ સંઘાણી

નવા કૃષિ બિલથી ખેડૂતો, ઉપભોગતાઓ, હોલસેલર્સ પ્રોસેસર્સ-સ્ટાર્ટ અપ્સને મળશે લાભ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૨ : લોક સભામાં તેમજ રાજ્ય સભામાં ખેડૂતો માટે લાભદાયી એવા ખરડા પસાર કરાવવા બદલ તેમજ ભારતની ખેતીના વિઝનને પારખવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અમરેલી જીલ્લા સંઘના ચેરમેન મનીષ સંઘાણીએ આવકારેલ છે. સંઘાણીએ વધુમાં જણાવેલ કે કૃષિ વિષયક બે સીમાચિહ્નરૂપ ખરડા સંસદના બન્ને ગૃહમાં પસાર થતાં આપણે એક રાષ્ટ્ર તરીકે ખેડૂતોને ઊંચી આવક અને વધુ ગુણવત્તાસભર જીવન સાથે ઉદ્યોગસાહસિક બનાવવાના આપણા વિઝનની દિશામાં આગામી પગલું ભરવા સક્ષમ બન્યા છીએ. તેના થકી વૈશ્વિક બજારમાં ભારતનું સ્થાન વધુ મજબૂત થશે અને આત્મનિર્ભર ખેતી સુનિશ્ચત થશે. આ છેલ્લા ૬ વર્ષ દરમિયાન  વડાપ્રધાનના સક્ષમ નેતૃત્ત્વ હેઠળ સરકારના અથાગ સમર્પણ અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. બન્ને ખરડા સંસદમાં પસાર થયા તે ભારતીય કૃષિ માટે ખરેખર એક સીમાચિહ્રનરૂપ દિવસ છે. ભારતની ખેતીની ખરી ક્ષમતા પારખવાના તેમના વિઝન બદલ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો હતો અને ખરડાના તમામ પાસાં સંસદના બન્ને ગૃહમાં સ્પષ્ટતા અને ખાતરી સાથે સમજાવવા બદલ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો પણ આભાર માનતા અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી વધુમા જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે ૧૦ હજાર એફપીઓની રચના માટે ૬,૬૮૫ કરોડ રૂ.ની સ્કીમ, ફાઇનાન્સ-પ્રોડકશન ટેકનોલોજીસ, એક લાખ કરોડ રૂ.ના કૃષિ માળખા ફંડ તથા વર્ષ ૨૦૨૨ સુધીમાં કૃષિ નિકાસો બમણી કરીને ૬૦ અબજ ડોલરે પહોંચાડવાના વિઝન સાથેની રાષ્ટ્રીય કૃષિ નિકાસ નીતિ સહિત સંખ્યાબંધ સાહસિક પહેલ કરી છે.

પીએમ-કિસાન હેઠળ ખેડૂતોને ૯૦ હજાર કરોડ રૂ.થી વધુનો ડાયરેકટ બેનિફિટ અપાયો છે. હવે તાજેતરના સુધારણા- ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એકટ ૨૦૨૦ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એકટ ૨૦૨૦ સાથે આધુનિક અને વિશ્વ કક્ષાની એગ્રિકલ્ચર ઇકોસિસ્ટમનો પાયો નાખ્યો છે, જેનાથી માત્ર ખેડૂતોને નહીં, ઉપભોકતાઓ, હોલસેલર્સ, પ્રોસેસર્સ અને સ્ટાર્ટ-અપ્સને પણ લાભ થશે.

બન્ને ખરડા પસાર થઇ જવા સાથે હવે આપણે ખેડૂતોની આવક બમણી કરવાના અને ભારતને વિશ્વનું ફૂડ બાસ્કેટ બનાવવાના વિઝનને સાકાર કરવા સુસજ્જ છીએ. તેમ અંતમાં જણાયેલ છે.

(12:49 pm IST)