Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર કુલ કેસ ર૪૪૭ : કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રર : જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર જારી રહ્યો છે અને કુલ પોઝીટીવ કેસ વધીને ર૪૪૭ થઇ ગયા છે.

જુનાગઢ શહેર-જિલ્લામાં સંક્રમણ વધતા તંત્ર દોડતુ થઇ ગયું છે. સોમવારે જિલ્લામાં નવા પોઝીટીવ ૩૭ કેસ સામે આવ્યા હતાં. જોકે ૩ર દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતાં.

જિલ્લામાં ર૪ કલાક દરમ્યાન જુનાગઢ સીટીમાં ૧૯, જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માણાવદર તથા વિસાવદરમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતાં. જયારે ભેસાણ, માળીયા, મેંદરડા અને વંથલીમાં એક-એક કેસ તેમજ માંગરોળમાં નવા બે કેસની એન્ટ્રી રહી હતી.

સોમવારે સદનસીબે કોઇનું મૃત્યુ થયું ન હતું. જૂનાગઢ જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. હાલ જિલ્લામાં ૪ર૭ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૪૧૩પ ઘરોના ૧૬,૧૯૧ લોકોનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ગઇકાલે એક જ દિવસમાં કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ૩૦નો ઉમેરો થયો હતો તથા કન્ટેઇનમેન્ટ ઝોનના ઘરોની સંખ્યા ૩રર વધી હતી. અને કન્ટેનમેન્ટ ઝોનની વસ્તીમાં ૧ર૬૭નો ઉમેરો થયો હતો.

જુનાગઢ શહેર જિલ્લામાં પણ લોકોએ વધુ સાવચેતી-જાગૃતિ દાખવીને સંક્રમણ વધે નહિ તે માટે સહકાર આપવાની જરૂર છે.

(12:46 pm IST)