Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સૌરાષ્ટ્રમાં કાલથી વાતાવરણ સુકુ બનશેઃ ભેજમાં ઘટાડો આવશેઃ હવે વરસાદનું જોર પણ ઘટશે

કન્વેકટીવ કલાઉડની અસર ઓછી થતી જશેઃ બંગાળની સિસ્ટમ્સ ઉતર તરફ ગતિ કરશે

રાજકોટ,તા.૨૨: છેલ્લા બે- ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કોઈ- કોઈ ભાગોમાં મેઘરાજા વરસી જાય છે. હળવા ઝાપટાથી કોઈ સ્થળોએ તો બે થી ત્રણ ઈંચ સુધી ખાબકી જાય છે. દરમિયાન હવે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકુ બનતું જશે. ભેજમાં પણ ક્રમશઃ ઘટાડો થતો જશે અને વરસાદનું જોર પણ ઘટતું જશે.હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ જણાવેલ કે બંગાળની ખાડીમાં બનેલ હવાનું હળવું દબાણ છતિસગઢથી ઉપરના ભાગે છે. આ સિસ્ટમ્સ આવતીકાલ એટલે કે ૨૩મી સપ્ટેમ્બરથી ઉત્તર તરફ પ્રયાણ કરશે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ભેજનું પ્રમાણ ઘટતું જશે. જેમ- જેમ સિસ્ટમ્સ ઉપર ચડતી જશે તેમ- તેમ વરસાદનું જોર પણ  ઘટતું જશે.હાલ કન્વેકટીવ કલાઉડની અસરથી બપોર બાદ કોઈ- કોઈ વિસ્તારમાં વિજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ પડે છે. દિવસ દરમ્યાન ભેજના પ્રમાણમાં ઘટાડો  આવતા કન્વેકટીવ કલાઉડ બનવાની શકયતા પણ ઓછી થઈ જશે. આમ, હવે ભેજનું પ્રમાણ ઘટવા તરફ છે. ધીમે- ધીમે વાતાવરણ સુકુ બનતું જશે.

ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં ગત રવિવારે વિજળીના કડાકા- ભડાકા સાથે વરસી ગયા બાદ ગઈકાલે પણ બપોરના વાદળોઓ છવાઈ ગયા હતા. ઝાપટુ વરસી ગયું હતું. આજે સવારના વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ ફુલબહાર તડકો ખિલ્યો છે.

(11:48 am IST)