Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

હવે ધોરાજીમાં મળશે કોરોનાની સારવાર : ૩૫ બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

રાજકોટ તા. ૨૨ : રાજકોટ જિલ્લામાં ધોરાજી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની અદ્યતન સારવાર  માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્યતંત્રના સંકલનથી ધોરાજી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કોવિડ કેર  સેન્ટર અને હોસ્પિટલ યુનિટ ગઇકાલ તા.૨૧થી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

ધોરાજી સબ હોસ્પિટલ ખાતે ૩૫ બેડનું અધતન સેન્ટર શરૂ કરવામાં આવતા હવે ધોરાજી- જામકંડોરણાના કોરોનાના દર્દીઓએ રાજકોટ સારવાર માટે નહિ જવું પડે અને કોરોનાની તમામ સારવાર ધોરાજી ખાતે સબ સિવિલ હોસ્પિટલના કોરોના સેન્ટરમાં  નિઃશુલ્ક  મળી રહેશે.

ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી. મીયાણીએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. રાઉન્ડ ધ કલોક સેવા મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલ કોરોના સારવાર સેંટર ધોરાજી તથા આસપાસના ૪૦ ગામના લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.

ડો.જયેશ વસેટીયન અધિક્ષક, સબ હોસ્પિટલ ધોરાજીએ કહ્યું કે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના કોરોનાના દર્દીઓ માટે સરકારશ્રી દ્વારા વિના મૂલ્યે સારવાર મળી રહે એવા હેતુથી  કોરોના સારવાર યુનિટ શરૂ કરવામાં આવ્યુ છે. અહી દર્દીઓને વિના મૂલ્યે દવા,  સારવાર અને ઓકિસજન તેમજ દર્દીઓના સગા સબંધીઓ, દર્દી સાથે વાત કરી શકે માટે વિડિયો કોલીન્ગની પણ સુવિધા મળી રહેશે. અહીં નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે.

વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઇ વોરાએ જણાવ્યું કે, ધોરાજી ખાતે શરૂ કરવામાં આવેલ કોરોના સારવાર સેંટર બદલ રાજય સરકારનો અમે આભાર વ્યકત કરીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે ધોરાજીના લોકોને કોરોનાની વિનામૂલ્યે સારવાર મળે માટે સંવેદના દર્શાવી રાજય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કોરોના સેંટર શરૂ કરાયું જે લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

(11:42 am IST)